પાકિસ્તાનના ઉત્તરીય વિસ્તારમાં માનસૂનના પ્રકોપ વચ્ચે ચાલી રહેલા બચાવ અભિયાન દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક MI-17 હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર પાંચ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ ઘટના મોહમંદ જિલ્લાના પંડિયાલી વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે બની હોવાનું મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુરે જણાવ્યું હતું. આ હેલિકોપ્ટર બાજોરના વરસાદગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી લઈ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પાંચ જવાનોના મોત થતાં સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.


ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં દુર્ઘટના

પાકિસ્તાનની સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા સરકારનું આ MI-17 હેલિકોપ્ટર પેશાવરથી બાજોર જઈ રહ્યું હતું ત્યારે મોહમંદ જિલ્લા પર તેનો સંપર્ક તૂટી ગયો હતો. અધિકારીઓએ હાલમાં એ સ્પષ્ટ કર્યું નથી કે આ દુર્ઘટના માત્ર ખરાબ હવામાનને કારણે થઈ છે કે અન્ય કોઈ કારણોસર. દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ દુર્ઘટનાએ બચાવ અને રાહત કામગીરી સામે મોટા પડકારો ઊભા કર્યા છે, કારણ કે પ્રતિકૂળ હવામાનમાં કામ કરવું અત્યંત જોખમી છે.

માનસૂન પ્રભાવિત વિસ્તારમાં બની ઘટના

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ઉત્તરીય ભાગોમાં ભારે માનસૂન વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. એએફપીના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા 164 લોકોનાં મોત થયા છે. સૌથી વધુ મૃત્યુઆંક (150) પહાડી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે.


  • Follow us on: