ઇન્ડોનેશિયાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ બાલીમાં અચાનક ઇંધણની ગંભીર કટોકટી સર્જાતાં પેટ્રોલ સ્ટેશનો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 'બાલી પોસ્ટ'ના અહેવાલ અનુસાર, ટાપુની રાજધાની ડેનપાસાર સહિત બાદુંગ અને તાબાનાન જેવા મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.
અછત માટે ફેલાયેલી અફવા ખોટી
બાલીના ગવર્નર આઈ વાયાન કોસ્ટરે મંગળવારે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ટાપુ પર પૂરતા પ્રમાણમાં ઇંધણ ઉપલબ્ધ છે. તેમણે આ અછત માટે લોકોમાં ફેલાયેલી અફવાઓ અને 'ગભરાટમાં થતી ખરીદી' (panic buying) ને જવાબદાર ઠેરવી હતી. 'જકાર્તા ગ્લોબ' મુજબ ગવર્નરે ઉમેર્યું કે, ડેપોમાં પૂરતો સ્ટોક હોવા છતાં પેટ્રોલ પંપો સુધી ઇંધણ પહોંચાડવાનો દર વધેલી માંગ સાથે તાલમેલ જાળવી શકતો નથી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે નાગરિકોને શાંતિ અને ધીરજ રાખવા અપીલ કરી હતી.
અઢી કલાકની જહેમત બાદ મળ્યું પેટ્રોલ
આ ઇંધણ સંકટની સીધી અસર સ્થાનિક વેપાર-રોજગાર ઉપરાંત ત્યાં રજાઓ ગાળવા આવેલા હજારો ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ પર પડી રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પ્રવાસીએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે તેમની પત્ની સવારે 4.30 વાગ્યે લાઈનમાં ઊભી રહી હતી અને અઢી કલાકની રાહ જોયા બાદ તેને માંડ ઇંધણ મળી શક્યું હતું.
https://x.com/FapeFop90614/status/2109917384551129442?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109917384551129442%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સરકારી માલિકીની કંપની સામે સવાલ
બીજી તરફ, સ્થાનિક નેતા આઈ મેડ રાય વાર્સાએ આ મુદ્દે સરકારી માલિકીની ઓઈલ કંપની 'પર્તામિના' (Pertamina) સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કંપનીને સ્થાનિક પરિસ્થિતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા અને પુરવઠા અંગે સચોટ માહિતી આપવા જણાવ્યું હતું. તેના જવાબમાં બાલીના એનર્જી એન્ડ મિનરલ રિસોર્સીસ એજન્સીના વડા ઈડા બાગુસ સેતિયાવાને ખાતરી આપી હતી કે પર્તામિના અવિરત પુરવઠો પૂરો પાડવા તમામ પ્રયાસો કરી રહી છે. વર્તમાન વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને સમજદારીપૂર્વક ઇંધણ વાપરવા અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા પ્રોત્સાહિત કર્યા હતા. સરકારે બાલી માટે દરરોજ 2.2 મિલિયન લિટર (આશરે 5,81,000 ગેલન) ઇંધણ ફાળવ્યું છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ થાળે પડી જવાની આશા છે.
આ પણ વાંચોઃ પેરુની શાળાઓમાં મેકઅપ, શોર્ટ સ્કર્ટ અને લાંબા વાળ પર પ્રતિબંધ લગાવ્યો