દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં શાળાઓ માટે પ્રસ્તાવિત નવા ડ્રેસ કોડ અને શિસ્તના નિયમોને લઈને ભારે વિવાદ અને હોબાળો મચી ગયો છે. પેરુની સરકાર શાળાઓમાં વ્યવસ્થા અને કાયદો પુનઃસ્થાપિત કરવાના હેતુથી નવા કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા પ્રસ્તાવ હેઠળ છોકરીઓ માટે નેઇલ પોલીશ, મેકઅપ, હેર ડાઈ અને ટૂંકા સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે, જ્યારે છોકરાઓ માટે વાળ ટૂંકા રાખવાનું ફરજિયાત કરવામાં આવશે.

શાળામાં અમુક વસ્તુઓ પર મૂકાયો પ્રતિબંધ 

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ કેઇકો ફુજીમોરીએ લીમા બહાર આવેલી એક શાળાની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે શિસ્ત અને વ્યવસ્થા માત્ર શેરીઓમાં જ નહીં, પરંતુ શાળાઓ અને વર્ગખંડોમાં પણ દેખાવી જોઈએ. આ માટે સરકારે વિદ્યાર્થીઓના પહેરવેશ, હેરસ્ટાઇલ અને વર્તન અંગે નવા માપદંડો નક્કી કર્યા છે. શાળાના ગણવેશમાં સ્કર્ટની ચોક્કસ લંબાઈ પણ નક્કી કરવામાં આવશે.

મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

આ ઉપરાંત, નવા નિયમો હેઠળ શાળા પરિસરમાં શિક્ષકની પરવાનગી વગર અગાઉથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, શાળામાં ગંભીર અનુશાસનહીનતા કે અશિસ્ત દાખવનારા વિદ્યાર્થીઓને કાયમી ધોરણે શાળામાંથી હાંકી કાઢવા (એક્સપેલ કરવા) સુધીની કડક જોગવાઈઓ પણ આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવી છે.

શિસ્તબદ્ધ મોડેલથી વિદ્યાર્થીઓને ભણતર માટે જરૂરી

રાષ્ટ્રપતિ ફુજીમોરી અને શિક્ષણ પ્રધાન જોસ ચાંગના જણાવ્યા અનુસાર, શાળાઓમાં વધી રહેલી હિંસા, ગુંડાગીરી, જાતીય સતામણી અને અવ્યવસ્થા પર કાબૂ મેળવવા માટે આ પગલાં અત્યંત જરૂરી છે. સરકારનો દાવો છે કે આ શિસ્તબદ્ધ મોડેલથી વિદ્યાર્થીઓને ભણતર માટે વધુ ઉત્તમ અને સુરક્ષિત વાતાવરણ મળશે.

માનવાધિકાર અને મહિલા અધિકાર સંગઠનોનો વિરોધ

બીજી તરફ, માનવાધિકાર અને મહિલા અધિકાર સંગઠનોએ સરકારના આ પ્રસ્તાવિત નિયમોનો તીવ્ર વિરોધ કર્યો છે. 'મેન્યુએલા રામોસ મૂવમેન્ટ' અને 'ફ્લોરા ટ્રિસ્ટન પેરુવિયન વિમેન્સ સેન્ટર' જેવા સંગઠનોનું કહેવું છે કે કપડાં, મેકઅપ કે હેરસ્ટાઇલ પર નિયંત્રણ લાદવાથી શાળાઓમાં થતી જાતીય હિંસા કે અન્ય ગંભીર સમસ્યાઓ અટકી જશે નહીં. તેઓ દલીલ કરી રહ્યા છે કે મૂળ સમસ્યાઓને ઉકેલવાને બદલે આવા નિયમો વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વતંત્રતા પર ત્રાપ મારે છે.

સરમુખત્યારશાહી પગલું ગણાવ્યું

પેરુના રાષ્ટ્રીય માનવ અધિકાર સંયોજકે પણ આ નિયમોને "લોકપ્રિયતા મેળવવાનું અને સરમુખત્યારશાહી" પગલું ગણાવીને આકરા પ્રહાર કર્યા છે અને ભારપૂર્વક કહ્યું છે કે શિસ્તના બહાને નાગરિકોની વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ મૂકી શકાય નહીં.

આ પણ વાંચોઃ CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જેલ, 5 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા