થાઇલેન્ડ હંમેશાથી ભારતીયો અને દુનિયાભરના પ્રવાસીઓ માટે એક મનપસંદ પર્યટન સ્થળ રહ્યું છે. સામાન્ય રીતે આપણે મંદિરોને આસ્થા, ધર્મ અને પૂજા-પાઠ સાથે જોડીએ છીએ, પરંતુ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલું એક પ્રખ્યાત મંદિર આ મામલે સાવ અલગ જ કારણસર ચર્ચામાં છે. બેંગકોકનું આઇકોનિક 'વાટ અરુણ' મંદિર આજે પૂજા-પાઠનું નહીં, પરંતુ શાનદાર ફેશન ફોટોશૂટનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

મંદિર પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન 

સોશિયલ મીડિયાના આ યુગમાં આ મંદિર પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ એક કન્ટેન્ટ ક્રિએટર અને ટ્રાવેલરે સોશિયલ મીડિયા પર આ મંદિરનો પોતાનો અનોખો અનુભવ શેર કર્યો હતો. વીડિયોમાં તેમણે બતાવ્યું કે કેવી રીતે અહીં આવતા લોકો ભગવાનની પૂજા કરવાને બદલે પરંપરાગત થાઈ પોશાક પહેરીને કેમેરા સામે પોઝ આપે છે અને ફેશન શૂટ કરાવે છે.

પરંપરાગત થાઇ કપડાં આપે છે ભાડે

આ અનોખા અનુભવ માટે મંદિર પરિસરની આસપાસ જ ખાસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. મંદિરની બહાર જ પરંપરાગત થાઈ કપડાં ભાડે આપતી દુકાનો છે, જ્યાંથી મુલાકાતીઓ માથાથી પગ સુધીનો પરંપરાગત પોશાક અને આભૂષણો ભાડે મેળવી શકે છે. આ પેકેજોમાં ડ્રેસિંગથી લઈને મંદિરની અંદર ફોટોશૂટ કરાવવા સુધીની સગવડ મળી રહે છે.

બેંગકોકના સૌથી આકર્ષક સ્થળોમાં મોખરે

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક યુઝર્સે થાઈ પોશાકમાં સુંદર તસવીરો શેર કરી છે, તો વળી કેટલાક લોકોએ ભારે ગરમી અને ભેજ વચ્ચે કોસ્ચ્યુમ પહેરવાની મુશ્કેલીઓ પણ જણાવી છે. કેટલાકે આ સેવાના પેકેજ ચાર્જ અંગે ચર્ચા કરી છે. જોકે, તમામ બાબતોને બાજુ પર રાખીએ તો પણ વાટ અરુણ મંદિર તેની ભવ્ય સ્થાપત્ય કળા અને સુંદરતાના કારણે બેંગકોકના સૌથી આકર્ષક અને જોવાલાયક સ્થળોમાં મોખરે છે.

આ પણ વાંચોઃ China : લો બોલો! ચહેરો ભાડે આપીને મેળવો 15 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?