ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં એક અત્યંત રસપ્રદ અને નવો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે, જ્યાં સામાન્ય લોકો પોતાના ચહેરાને ભાડે આપીને (License આપીને) લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. મોટી કંપનીઓ જાહેરાતો, વીડિયો અને ડિજિટલ સામગ્રી તૈયાર કરવા માટે અસલી કલાકારોને બદલે આ ડિજિટલ ચહેરાઓનો ઉપયોગ કરી રહી છે.
ચહેરો ભાડે આપી કરો લાખોની કમાણી
આ આખી પ્રક્રિયામાં લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના ચહેરાની યાદી (List) મૂકે છે. જો કોઈ પ્રોડક્શન કંપનીને જાહેરાત કે ગેમિંગ માટે કોઈ પાત્રની જરૂર હોય, તો તે AI ની મદદથી આ વ્યક્તિના ચહેરાને ડિજિટલ અભિનેતામાં પરિવર્તિત કરી દે છે. આ પદ્ધતિથી કમાણીની વાત કરીએ તો, વ્યક્તિ પોતાના ચહેરાના ઉપયોગના કરાર મુજબ અંદાજે 700 રૂપિયાથી લઈને 1.5 મિલિયન રૂપિયા (૧૫ લાખ રૂપિયા) સુધીની કમાણી કરી શકે છે. તાજેતરમાં જ એક બેંક કર્મચારીએ માત્ર ત્રણ દિવસમાં એજન્સીને પોતાનો ચહેરો લાઈસન્સ આપીને અંદાજે 35,000 રૂપિયા કમાયા હતા. આમાં શૂટિંગ કે કેમેરા સામે જવાની કોઈ જરૂર રહેતી નથી.
