બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લામાં હિન્દુ લઘુમતી સમુદાય સામે હિંસાનો વધુ એક ગંભીર અને ક્રૂર બનાવ પ્રકાશમાં આવ્યો છે. નરસિંગડી પોલીસ લાઈન્સ નજીક આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં 23 વર્ષીય હિન્દુ યુવક ચંચલ ચંદ્ર ભૌમિકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને ગેરેજની અંદર જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.


કોમિલા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો

મૃતક ચંચલ ચંદ્ર ભૌમિક કોમિલા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો રહેવાસી હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી નરસિંગડીમાં એક ગેરેજમાં કામ કરતો હતો અને રોજગાર માટે ત્યાં જ રહેતો હતો. ચંચલ તેના પરિવારનો મોટો પુત્ર હતો અને પરિવારનો એકમાત્ર કમાવનાર સભ્ય હતો, જેના કારણે આ ઘટનાએ પરિવારને સંપૂર્ણ રીતે તોડી નાખ્યો છે.

ગેરેજના શટર પર પેટ્રોલ છાંટી આગ લગાવવામાં આવી

પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારની મોડી રાત્રે જ્યારે ચંચલ ગેરેજની અંદર સૂતો હતો, ત્યારે અજાણ્યા વ્યક્તિએ ગેરેજના બહારના શટર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આગ લાગતાની સાથે જ તે ઝડપથી ગેરેજની અંદર ફેલાઈ ગઈ અને ચંચલ બહાર નીકળી શક્યો નહીં. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ગેરેજના શટર પાસે આગ લગાવતો જોવા મળે છે. થોડી જ મિનિટોમાં આગ ભભૂકી ઉઠી અને સમગ્ર ગેરેજ આગની લપેટમાં આવી ગયું.

ફાયર સર્વિસને આગ કાબુમાં લેવા એક કલાક લાગ્યો

આગની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ નરસિંગડી ફાયર સર્વિસને જાણ કરી હતી. ફાયર સર્વિસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લગભગ એક કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી શક્યો. આગ બુઝાયા બાદ ગેરેજની અંદરથી ચંચલ ચંદ્ર ભૌમિકનો સંપૂર્ણ રીતે સળગેલો મૃતદેહ મળી આવ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચંચલ લાંબા સમય સુધી આગમાં સળગતો રહ્યો હતો અને તેનું મૃત્યુ અત્યંત પીડાદાયક રીતે થયું હોવાનું માનવામાં આવે છે.

પરિવારનો આરોપ – આ પૂર્વયોજિત હત્યા છે

મૃતકના પરિવારજનોને આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યા ગણાવી છે. પરિવારજનોએ ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા આપવા માંગ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને હિન્દુ લઘુમતી સમુદાયમાં ભયની લાગણી ફેલાઈ છે.

પોલીસ તપાસ અને હિન્દુ સમુદાયનો રોષ

પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે. કેસ નોંધવાની પ્રક્રિયા પણ ચાલુ છે. સ્થાનિક હિન્દુ નેતાઓએ આ ઘટનાની કડક નિંદા કરી છે અને વહીવટીતંત્રને લઘુમતી સમુદાયની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવા અપીલ કરી છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો : ‘હરે રામ અમર રહે…’ નારાઓ સાથે Doda દુર્ઘટનામાં શહીદ સૈનિકને અંતિમ વિદાય



  • Follow us on: