બાંગ્લાદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 40 મુસાફરોથી ભરેલી એક બસ ઊંડી પદ્મ નદીમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ મળી છે, જેમાં મહિલાઓ અને નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે. અનેક મુસાફરો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
સાંજે આશરે 5:15 વાગ્યાની આસપાસ બની ઘટના
આ અકસ્માત બુધવારે સાંજે આશરે 5:15 વાગ્યાની આસપાસ દક્ષિણ-પશ્ચિમ રાજબારીના દૌલાદિયા ટર્મિનલ પર સર્જાયો હતો. અહેવાલો અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો ઈદની રજાઓ ગાળીને પોતાના વતનથી રાજધાની ઢાકા પરત ફરી રહ્યા હતા. મુસાફરો ઉત્સાહમાં હતા, પરંતુ દૌલાદિયા ટર્મિનલ પર પહોંચતા જ સ્થિતિ પલટાઈ ગઈ હતી. જ્યારે બસ ટ્રાન્સપોર્ટ ફેરીપર ચઢવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અચાનક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું.
હોડી સાથે અથડાયા બાદ બસ પર કાબુ ગુમાવ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ જ્યારે ફેરીની નજીક પહોંચી ત્યારે તે અચાનક એક નાની હોડી સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસ પરથી ચાલકનો કાબૂ છૂટી ગયો અને બસ સીધી પદ્મ નદીના ઊંડા પાણીમાં ખાબકી. નદીમાં બસ પડતાની સાથે જ મુસાફરોમાં ભારે અફડાતફડી અને ચીસિયારીઓ મચી ગઈ હતી.
બચાવ કામગીરી દરમિયાન મુશ્કેલીઓ પડી
ઘટનાની જાણ થતા જ સેના, પોલીસ, ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, પ્રતિકૂળ હવામાન અને નદીના ઊંડા પાણીને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી હતી. ક્રેનની મદદથી બસને નદીમાંથી બહાર કાઢવામાં લગભગ છ કલાક જેટલો સમય લાગ્યો હતો. સ્થાનિક લોકોએ પણ બચાવ કાર્યમાં વહીવટીતંત્રને સાથ આપ્યો હતો.
અત્યાર સુધીમાં 23 લોકોના મોત નીપજ્યા
અત્યાર સુધીમાં નદીમાંથી 23 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ઘણા મુસાફરો લાપતા છે, જેમને શોધવા માટે ગોતાખોરોની મદદ લેવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ સમગ્ર બાંગ્લાદેશમાં શોકનું મોજું ફેરવી દીધું છે.
