પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે ઈરાને ભારત માટે એક અત્યંત રાહતજનક જાહેરાત કરી છે. ઈરાન સરકાર દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ભારતીય જહાજો માટે ખોલી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ હળવું થવાની મોટી આશા જન્મી છે.

મિત્ર દેશો માટે વિશેષ છૂટછાટ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, તેમનો દેશ હવે પસંદગીના મિત્ર દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુક્તપણે અને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપશે. આ યાદીમાં ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ઈરાનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઈઝરાયેલ અને પશ્ચિમ એશિયાના અન્ય દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આ જળમાર્ગ પર જોખમ વધી ગયું હતું. જોકે, ઈરાને એક શરત પણ મૂકી છે કે આ દેશોના જહાજોએ પસાર થતા પહેલા ઈરાની સત્તાવાળાઓ સાથે યોગ્ય સંકલન (Coordination) સાધવું પડશે, જેથી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે.

https://twitter.com/IRANinMumbai/status/2036883964854784018

ભારત માટે આ નિર્ણય કેમ મહત્વનો છે?

ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ ખાડી દેશો પાસેથી આયાત કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ એ મધ્ય પૂર્વના તેલ ઉત્પાદક દેશોને વૈશ્વિક બજારો સાથે જોડતો મુખ્ય માર્ગ છે. જો આ માર્ગ બંધ થાય, તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને પહોંચી શકે છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. ઈરાનના આ પગલાથી ભારતને સસ્તું તેલ મેળવવામાં અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.

વૈશ્વિક ચિંતા અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આ ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારનો અવરોધ માત્ર તેલ જ નહીં, પરંતુ ગેસ અને ખાતરના પુરવઠાને પણ અસર કરે છે. ખાસ કરીને ખેતીની સીઝન દરમિયાન ખાતરની અછત વિશ્વભરના દેશો માટે મોટું જોખમ બની શકે છે. ગુટેરેસે અમેરિકા અને ઈઝરાયેલને યુદ્ધનો વહેલી તકે અંત લાવવા વિનંતી કરી છે, જેથી સામાન્ય નાગરિકોની હાલાકી ઓછી થાય અને વૈશ્વિક અર્થતંત્ર પતન તરફ જતું અટકે.

https://twitter.com/antonioguterres/status/2036926348074377311

આ પણ વાંચોઃ Iran-America યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતાના પ્રશ્ન પર એસ.જયશંકરે કહ્યું 'અમે કોઈ દલાલ દેશ નથી'