બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન તારિક રહેમાને પોતાના પ્રથમ વિદેશી પ્રવાસ તરીકે ચીનની પસંદગી કરી હતી, પરંતુ હજુ સુધી તેમણે ભારતની મુલાકાત લીધી નથી. ભારત સરકારે જુલાઈ મહિનામાં તેમને દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલનનું સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. જોકે, બાંગ્લાદેશ સરકારે સંકેત આપ્યા છે કે શેખ હસીના અંગેના અસંતોષને કારણે તેઓ સપ્ટેમ્બરમાં બ્રિક્સ માટે દિલ્હી નહીં આવે, પરંતુ તે પહેલાં ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે દિલ્હી આવી શકે છે.

દિલ્હી-ઢાકા સંબંધોમાં મોટી હિલચાલ

બાંગ્લાદેશી દૈનિક 'પ્રથમ આલો'ના અહેવાલ મુજબ, દિલ્હી અને ઢાકા વચ્ચે આ પ્રવાસ અંગે સક્રિય ચર્ચા ચાલી રહી છે. બાંગ્લાદેશ સરકારે ભારત સામે વિરોધ નોંધાવ્યો છે કે નવી દિલ્હીમાં આશ્રય લઈ રહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને રાજકીય પ્રવૃત્તિઓ કરવાની અને સમયાંતરે નિવેદનો આપવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ઢાકા આ મુદ્દે ભારત સરકાર પાસેથી નક્કર આશ્વાસન અને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.

બાંગ્લાદેશના પીએમ ઓગસ્ટમાં આવી શકે છે ભારત

આ રાજદ્વારી ખેંચતાણ વચ્ચે બાંગ્લાદેશમાં ભારતના હાઇકમિશનર દિનેશ ત્રિવેદીએ પીએમ તારિક રહેમાન સાથે મુલાકાત કર્યા બાદ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ ઢાકા પરત ફર્યા છે અને બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે.

સંભવિત દિલ્હી પ્રવાસ અંગે વાટાઘાટો શરૂ

બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવા માટે શેખ હસીનાના પ્રત્યાર્પણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉકેલવા જરૂરી છે.જો તારિક રહેમાન દિલ્હી આવે છે અને પીએમ નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાય છે, તો બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને થાળે પાડવા માટે એક નવો રસ્તો ખુલશે. ફેબ્રુઆરીમાં સરકાર બદલાયા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને નવી દિશા આપવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: India: યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં એનાલોગ પનીર અને ભેળસેળિયા દૂધ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ