ચીને કેનેડા અને બ્રિટનના નાગરિકોને નોંધપાત્ર રાહત આપી છે. હવે, આ બંને દેશોના નાગરિકો વિઝા વગર ચીનની મુસાફરી કરી શકશે. આ નિર્ણય બાદ ફાઈવ આઈઝ ગ્રુપમાં યુનાઈટેડ સ્ટેટ્સ એકમાત્ર એવો દેશ રહ્યો છે જેના નાગરિકોને હજુ પણ ચીનની મુસાફરી માટે વિઝાની જરૂર પડે છે. ચીનના વિદેશ મંત્રાલયે રવિવારે આ નવી નીતિની જાહેરાત કરી. મંત્રાલયના જણાવ્યા મુજબ આ નિયમ મંગળવાર, 17 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને વર્ષના અંત સુધી અમલમાં રહેશે.


કેટલા દિવસ સુધી નાગરિકો રહી શકશે?

કેનેડિયન અને બ્રિટિશ પાસપોર્ટ ધારકો હવે વિઝા વગર વધુમાં વધુ 30 દિવસ ચીનમાં રહી શકે છે. તેઓ વ્યવસાય, મુસાફરી અથવા મિત્રો અને પરિવારને મળવા માટે ચીનની મુસાફરી કરી શકે છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે તાજેતરમાં ચીનની મુલાકાત લીધા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ મુલાકાતો બાદ સંબંધો સુધારવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

ફાઈવ આઈઝ શું છે?

ફાઈવ આઈઝએ યુનાઈટેડ સ્ટેટ્સ, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ કરતું એક ગુપ્ત માહિતી શેરિંગ જૂથ છે. તેને પશ્ચિમી દેશો માટે એક મુખ્ય સુરક્ષા જોડાણ માનવામાં આવે છે. યુનાઈટેડ સ્ટેટ્સ હવે આ જૂથનો એકમાત્ર દેશ છે જેને ચીન દ્વારા વિઝા ફ્રી મુસાફરી આપવામાં આવી નથી . ચીને અગાઉ જુલાઈ 2024માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નાગરિકોને વિઝા ફ્રી એન્ટી આપી હતી. આનો અર્થ એ થયો કે ચાર ફાઈવ આઈ દેશો - બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ - ના નાગરિકો હવે 30 દિવસ સુધી વિઝા વિના ચીનની મુસાફરી કરી શકશે.

અમેરિકાને આ સુવિધા ન આપવાનું શું છે કારણ?

નિષ્ણાતો માને છે કે આ નિર્ણય ચીનના કેટલાક પશ્ચિમી દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવાના રાજદ્વારી પ્રયાસોનો એક ભાગ છે. જોકે, આ સુવિધામાંથી યુનાઈટેડ સ્ટેટ્સને બાકાત રાખવું એ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને પણ પ્રતિબિંબિત કરે છે. ચીને હવે વિશ્વભરના લગભગ 75 દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપી છે. આનો અર્થ એ છે કે આ દેશોના નાગરિકો ચોક્કસ શરતો હેઠળ 30 દિવસ સુધી વિઝા વિના ચીનમાં રહી શકે છે. આ નિર્ણય ચીનની નવી ખુલ્લી મુસાફરી નીતિનો એક ભાગ છે, જેનો હેતુ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવાનો અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવાનો છે.

આ પણ વાંચો : Iran Protest 2026 News: અમેરિકા ઈરાન માટે બનાવી રહ્યુ છે મહત્તમ દબાણની યોજના, ચીનને બનાવાશે લક્ષ્ય


  • Follow us on: