અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર જાનલેવા હુમલો અથવા મોટી સુરક્ષાચૂકનું ષડયંત્ર ઘડાયું હોવાની આશંકા સામે આવી છે. લોસ એન્જલસ સ્થિત 'ટ્રમ્પ નેશનલ ગોલ્ફ કોર્સ' ખાતે યોજાનારા રિપબ્લિકન નેશનલ કમિટીના હાઇ-પ્રોફાઇલ ફંડરેઝિંગ ડિનર પહેલા પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજરી આપે તે પહેલાં જ પોલીસે સમયસર કાર્યવાહી કરીને સંભવિત ખતરો ટાળ્યો છે.
ફોટો-વીડિયો લેતા પકડાયો શખ્સ
લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેંચો પાલોસ વર્ડેસ વિસ્તારમાં આવેલા ગોલ્ફ કોર્સ ખાતે આયોજિત કાર્યક્રમના સુરક્ષા બંદોબસ્ત પર આ શંકાસ્પદ વ્યક્તિ સતત નજર રાખી રહ્યો હતો. તે સ્થળ પર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાના ફોટોગ્રાફ્સ અને વીડિયો શૂટ કરી રહ્યો હતો. તેની હલચલ શંકાસ્પદ જણાતાં કાયદો અને વ્યવસ્થા જાળવતી ટીમે તાત્કાલિક તેની અટકાયત કરી હતી.
શંકાસ્પદ પાસેથી લોડેડ પિસ્તોલ અને કારતૂસ જપ્ત
પોલીસે જ્યારે શંકાસ્પદ વ્યક્તિની પ્રાથમિક તલાશી લીધી, ત્યારે તેની ખિસ્સામાંથી 16 રાઉન્ડવાળી મેગેઝિન અને જીવંત ગોળીઓ મળી આવી હતી. આ ઉપરાંત, તેની કારની તપાસ દરમિયાન પોલીસને એક લોડેડ પિસ્તોલ પણ મળી આવી હતી.
હથિયારો, બોડી આર્મર અને આપત્તિજનક નોંધબુક મળી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે શંકાસ્પદના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસને ભારે માત્રામાં બંદૂકો, વધારાની મેગેઝિન, સેંકડો કારતૂસ, બુલેટપ્રૂફ બોડી આર્મર અને કેટલીક આપત્તિજનક નોંધબુક (ડાયરીઓ) મળી આવી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ
અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી પ્રચાર દરમિયાન જાનલેવા હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે, જેને કારણે અમેરિકન સીક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. પકડાયેલો વ્યક્તિ એકલો જ આ યોજના બનાવી રહ્યો હતો કે તેની પાછળ કોઈ મોટું સંગઠન કે ષડયંત્ર છે, તે દિશામાં કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ચંદ્ર પર મચશે તબાહી! આજે ટકરાશે Elon Musk નું Falcon-9 Rocket