અમેરિકાના કુખ્યાત સેક્સ ટ્રાફિકર જેફરી એપ્સટિન સાથે જોડાયેલી ફાઇલ્સના મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) પર એવો ગંભીર આરોપ લાગ્યો છે કે તેણે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો જાહેરમાં રજૂ કર્યા નથી. આ ખુલાસા બાદ અમેરિકી ન્યાય વિભાગે આંતરિક તપાસ શરૂ કરવાની ફરજ પડી છે.
શું છે સમગ્ર વિવાદ?
જ્યારે એપ્સટિન ફાઇલ્સ સાર્વજનિક કરવામાં આવી, ત્યારે અનેક સમાચાર સંસ્થાઓએ એ નોંધ્યું કે ૨૦૧૯ માં જેફરી એપ્સટિનની ધરપકડ બાદ એક અજાણી મહિલા દ્વારા લેવામાં આવેલા FBI ઇન્ટરવ્યુના રેકોર્ડ્સ ગાયબ છે. આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 1980ના દાયકામાં જ્યારે તે સગીર હતી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સટિન બંનેએ તેનું જાતીય શોષણ કર્યું હતું. રિપોર્ટ મુજબ, FBI એ આ મહિલાના ચાર વખત ઇન્ટરવ્યુ લીધા હતા, પરંતુ જાહેર કરાયેલી ફાઇલોમાં માત્ર એક જ ઇન્ટરવ્યુનો સારાંશ જોવા મળે છે. બાકીના દસ્તાવેજો કેમ છુપાવવામાં આવ્યા તે હવે તપાસનો વિષય બન્યો છે.
ન્યાય વિભાગની સ્પષ્ટતા અને સમીક્ષા
આ વિવાદ વકરતા ન્યાય વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું છે કે તેઓ હાલમાં આ ફાઇલોની સમીક્ષા કરી રહ્યા છે. વિભાગે ખાતરી આપી છે કે જો કોઈ દસ્તાવેજ ફેડરલ કાયદા હેઠળ મુક્ત કરવા પાત્ર હશે અને ભૂલથી રોકવામાં આવ્યો હશે, તો તેને ચોક્કસપણે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ પાનાના રેકોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં અનેક જગ્યાએ વિગતો 'એડિટ' કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રાજકીય ગરમાવો
હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ સભ્ય રોબર્ટ ગાર્સિયાએ આક્ષેપ કર્યો છે કે ન્યાય વિભાગે ગેરકાયદેસર રીતે પુરાવાઓ રોકી રાખ્યા છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે એપ્સટિન સાથેના કોઈ પણ ખોટા સંબંધોનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે જો આ દાવાઓમાં સત્ય હોત તો વિરોધીઓએ તેને ક્યારના હથિયાર બનાવી લીધા હોત.
કોણ હતો જેફરી એપ્સટિન?
જેફરી એપ્સટિન એક હાઈ-પ્રોફાઈલ અમેરિકન ફાઇનાન્સર હતો, જેના પર સગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગનો આરોપ હતો. ૨૦૧૯ માં જેલમાં ટ્રાયલ દરમિયાન તેણે આત્મહત્યા કરી હતી. તેની ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલ હાલમાં આ કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહી છે. આ નવા ખુલાસાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે એપ્સટિનના કાળા કારનામાના તાર વિશ્વના અનેક શક્તિશાળી લોકો સાથે જોડાયેલા હોઈ શકે છે.
આ પણ વાંચોઃ PM Modi Israel Visit: નેતન્યાહૂનો 'દેશી' અંદાજ, રાત્રિભોજનમાં આપી એવી સરપ્રાઇઝ કે ચોંકી ગયા PM મોદી!