ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતા હવે માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી મર્યાદિત નથી, પણ તે ભાવનાત્મક સ્તરે પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે, જેમાં ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કરેલા એક ખાસ આતિથ્ય સત્કારે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
નેતન્યાહૂએ જ્યારે પીએમ મોદીને આશ્ચર્યચકિત કર્યા
બુધવારે રાત્રે યોજાયેલા ભવ્ય રાત્રિભોજન દરમિયાન એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે પીએમ મોદી ડિનર માટે પહોંચ્યા, ત્યારે વડાપ્રધાન નેતન્યાહૂએ પરંપરાગત ભારતીય પોશાક પહેરીને તેમનું સ્વાગત કર્યું હતું. નેતન્યાહૂનો આ 'દેશી' અવતાર જોઈને પીએમ મોદી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમણે હસીને આ સન્માનની પ્રશંસા કરી હતી.
નેતન્યાહૂએ આ ક્ષણનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો
નેતન્યાહૂએ આ ક્ષણનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા હિન્દીમાં લખ્યું કે, "અમારા સંયુક્ત રાત્રિભોજન પહેલાં, મેં મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીને પરંપરાગત ભારતીય પોશાક પહેરીને આશ્ચર્યચકિત કર્યા." અગાઉ એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂએ પણ કેસરી (ભગવા) રંગના વસ્ત્રો પહેરીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
બીજા દિવસનો વ્યૂહાત્મક કાર્યક્રમ
આજે મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત અને ગંભીર વિષયો પર કેન્દ્રિત છે
યાદ વાશેમ મ્યુઝિયમ: પીએમ મોદી અને નેતન્યાહૂ હોલોકોસ્ટના પીડિતોની સ્મૃતિમાં બનેલા 'યાદ વાશેમ' સ્મારકની મુલાકાત લેશે. ત્યાં તેઓ 'હોલ ઓફ રિમેમ્બરન્સ'માં પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે.
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: પીએમ મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે.
મહત્વપૂર્ણ કરારો: દિવસ દરમિયાન જેરુસલેમમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, અર્થતંત્ર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. મુલાકાત સાબિત કરે છે કે ભારત અને ઇઝરાયલ એકબીજાના વ્યૂહાત્મક ભાગીદાર હોવાની સાથે-સાથે ગાઢ મિત્ર પણ છે. પીએમ મોદીના આ પ્રવાસે બંને દેશોના સંબંધોને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યા છે.
