ઈરાનમાં એક મોટી વિમાન દુર્ઘટના સદનસીબે ટળી ગઈ છે, પરંતુ આ ઘટનાનો ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જોનારા દરેકના રૂંવાડા ઉભા થઈ ગયા છે. સેપાહરાન એરલાઇન્સનું બોઇંગ 737 વિમાન ઈરાનના મશહદ એરપોર્ટથી કરમાનશાહ જવા માટે રવાના થયું હતું. મંગળવારે બનેલી આ ઘટનામાં વિમાને ટેકઓફ કર્યાની થોડી જ મિનિટોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

ટેકઓફ પછી સર્જાઈ કટોકટી

વિમાને ઉડાન ભરી તેના થોડા જ સમયમાં લેન્ડિંગ ગિયરનું ટાયર ફાટી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પાઇલોટ્સે તાત્કાલિક કટોકટી જાહેર કરી હતી અને વિમાનને મશહદ એરપોર્ટ પર પાછું લાવવાનો નિર્ણય કર્યો હતો. બ્રાઝિલના અખબાર UOL અને ઈરાનની રઝાવી ખોરાસન પ્રાંતની સરકારના જણાવ્યા અનુસાર, વિમાન હવામાં હતું ત્યારે મુસાફરોમાં ભારે ડર ફેલાઈ ગયો હતો.
https://twitter.com/clashreport/status/2099871393231810960

મુસાફરો પર પડી કેબિનની છત

જ્યારે વિમાને એરપોર્ટ પર પાછા ફરીને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું, ત્યારે આંચકાને કારણે કેબિનની અંદરની છતનો એક મોટો ભાગ તૂટીને સીધો મુસાફરો અને તેમના સામાન પર પડ્યો હતો. ઈરાની સમાચાર એજન્સી દ્વારા સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આખું વિમાન ધ્રુજી રહ્યું હતું અને ડરના मारे મુસાફરો ચીસો પાડી રહ્યા હતા. છત તૂટવાથી વિમાનનો આંતરિક ભાગ પણ ખુલ્લો થઈ ગયો હતો.

સદનસીબે મોટી જાનહાનિ ટળી

આ ભયાનક અકસ્માત છતાં રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા કે નુકસાન થયું નથી. વિમાન સુરક્ષિત રીતે જમીન પર ઉતરી ગયા બાદ એરપોર્ટ ઓથોરિટી અને બચાવ ટીમોએ તાત્કાલિક તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. સમયસર લેવાયેલા નિર્ણયો અને પાઇલોટની સૂઝબૂઝના કારણે સેંકડો મુસાફરોનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચોઃ World: ફ્રાન્સના પેરિસમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ઐતિહાસિક ઉજવણી,હજારો હરિભક્તો ઉમટ્યા