પાકિસ્તાનના અશાંત અને સરહદી વિસ્તાર ગણાતા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર ભીષણ ધમાકાથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના બાજૌર જિલ્લામાં શનિવારે થયેલા એક શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ બોમ્બ ધમાકામાં એક સ્થાનિક રાજકીય નેતાને લક્ષ્ય બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે, જોકે તેઓ આ હુમલામાં આબાદ રીતે બચી ગયા છે.
મૃતકો બાજૌર જિલ્લાના જ રહેવાસી
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાજૌર જિલ્લાની સલારઝઈ તહસીલ હેઠળ આવતા તાલી બાંધ વિસ્તાર નજીક બની હતી. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ડરનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતકોની ઓળખ બાજૌર જિલ્લાના જ રહેવાસી સુલેમાન કૌરી અને ગુલામ તરીકે થઈ છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની પ્રક્રિયા માટે નજીકની ખાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો, આઈઈડી (IED) બ્લાસ્ટ હતો કે અન્ય કોઈ ષડયંત્ર, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
સ્થાનિક નેતાઓ પર હુમલા
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હિંસા અને અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સક્રિય છે. નવેમ્બર 2022માં પાકિસ્તાન સરકાર સાથેનો યુદ્ધવિરામ ભંગ થયા પછી ટીટીપીએ આ પ્રાંતમાં સુરક્ષા દળો અને સ્થાનિક નેતાઓ પર હુમલા તેજ કર્યા છે.
દેશની આંતરિક સુરક્ષા ખતરામાં
આ ઘટનાના બે દિવસ પહેલા જ 24 જુલાઈના રોજ ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં વિસ્ફોટકોથી ભરેલા વાહનને ચેકપોસ્ટ સાથે અથડાવી દેવાતા 15 સુરક્ષાકર્મીના મોત થયા હતા, જેમાં 12 સૈનિકો સામેલ હતા. પાકિસ્તાનમાં સતત વધી રહેલા આ વિસ્ફોટો અને હુમલાઓને કારણે દેશની આંતરિક સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: North Korea: કિમ પરિવારના શાસન પહેલાં કેવું હતું ઉત્તર કોરિયા?