PM મોદી અને શી જિનપિંગ વાત કરી રહ્યા હતા, પરંતુ તેમની બાજુમાં ઊભેલા બે અધિકારીઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું. આ બંને સામાન્ય અધિકારી નહીં, પરંતુ બંને નેતાઓની મહત્વપૂર્ણ વાતચીતને ભાષાના અવરોધ વિના આગળ વધારતા વિશ્વસનીય દુભાષિયા છે. એક છે ભારતના સિદ્ધાર્થ બાબુ અને બીજા છે ચીનના સન નિંગ. બંને ઘણા સમયથી પોતાના દેશના ટોચના નેતાઓ સાથે આંતરરાષ્ટ્રીય બેઠકોમાં જોવા મળે છે.

શી જિનપિંગના દુભાષિયા સન નિંગ

સન નિંગ ચીનના અનુભવી અંગ્રેજી દુભાષિયા તરીકે જાણીતા છે. નાનજિંગમાં જન્મેલા સન નિંગને નાની ઉંમરથી જ અંગ્રેજી ભાષામાં રસ હતો. હાઈસ્કૂલ દરમિયાન તેમણે અંગ્રેજી સ્પર્ધામાં સફળતા મેળવી હતી. કોલેજમાં ભાષણ સ્પર્ધામાં તેમના સારા પ્રદર્શનથી ચીનના વિદેશ મંત્રાલયનું ધ્યાન તેમના તરફ ગયું હતું.

સન નિંગે નાનજિંગ ફોરેન લેંગ્વેજ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ બેઇજિંગ ફોરેન સ્ટડીઝ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો. તેમણે બ્રિટનમાં પણ આગળનો અભ્યાસ કર્યો હતો. ઓગસ્ટ 2003માં તેઓ ચીનના વિદેશ મંત્રાલયના અનુવાદ વિભાગ સાથે જોડાયા હતા.

ચીનના વિદેશ મંત્રાલયમાં દુભાષિયા તરીકે પસંદગી પ્રક્રિયા મુશ્કેલ માનવામાં આવે છે. સન નિંગની ચીની અને અંગ્રેજી ભાષા પરની મજબૂત પકડ, વ્યાપક જ્ઞાન અને શાંત સ્વભાવ તેમની વિશેષતાઓમાં ગણાય છે. તેઓ ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ અનુવાદ કરતા જોવા મળ્યા હતા.

શી જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની વિદેશ યાત્રાઓ અને વિવિધ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સન નિંગનો ચહેરો વારંવાર જોવા મળ્યો છે. 2012માં શી જિનપિંગની અમેરિકાની મુલાકાત દરમિયાન પણ તેઓ દુભાષિયા તરીકે તેમની સાથે હતા.

PM મોદીના દુભાષિયા સિદ્ધાર્થ બાબુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જોવા મળતા સિદ્ધાર્થ બાબુ ભારતીય વિદેશ સેવા સાથે જોડાયેલા અધિકારી છે. તેઓ કેરળના કોચી સાથે સંબંધ ધરાવે છે અને 2017 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી હોવાનું જણાવવામાં આવે છે.

સિદ્ધાર્થ બાબુ વિદેશ મંત્રાલયમાં કાર્યરત છે અને ખાસ કરીને મંદારિન તથા અંગ્રેજી ભાષાના જાણકાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે અનેક ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં દોભાષિયા તરીકે જોવા મળ્યા છે. જાન્યુઆરી 2026ના ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન પણ તેઓ યુરોપિયન યુનિયનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ બાબુએ અમેરિકાના મિડલબરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંથી ભાષાનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થામાં ભાષા સાથે કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે પણ તાલીમ આપવામાં આવે છે.

સિદ્ધાર્થ બાબુએ દુભાષિયાની ભૂમિકા અંગે જણાવ્યું છે કે ભાષાની બારીકીઓ સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે વાતચીતમાં શબ્દોની પાછળ પણ અનેક અર્થ છુપાયેલા હોઈ શકે છે. રાજદ્વારીઓ અને દુભાષિયાઓ માટે અલગ-અલગ સંસ્કૃતિ વચ્ચે સંવાદ સરળ બનાવવો તેમની મહત્વપૂર્ણ જવાબદારી છે.

BRICS સમિટ દરમિયાન બંને નેતાઓની બાજુમાં જોવા મળેલા આ બે અધિકારીઓએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં દુભાષિયાઓની મહત્વપૂર્ણ ભૂમિકા તરફ ધ્યાન દોર્યું છે.

આ પણ વાંચો: BRICS Summit: પુતિનની ઓરસ સેનેટ અને જિનપિંગની હોંગકી, જાણો આ કાર કેટલી શક્તિશાળી?