અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રીલંકાના કોલંબો બંદર પર સ્થિત ‘કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ’ (CWIT) એ કાર્યારંભના પ્રથમ જ વર્ષમાં 10 લાખ (એક મિલિયન) કન્ટેનર હેન્ડલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સીમાચિહ્ન હિંદ મહાસાગર ક્ષેત્રના વૈશ્વિક વેપારમાં ભારત અને અદાણી ગ્રુપના વધતા પ્રભુત્વને દર્શાવે છે.


સૌથી ઝડપી ગતિએ મેળવેલી સિદ્ધિ

એપ્રિલ 2025માં નિર્માણ કાર્ય શરૂ થયાના પ્રથમ વર્ષમાં જ 10 લાખ TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો) ના આંકને વટાવવો એ વૈશ્વિક સ્તરે એક દુર્લભ ઘટના છે. સામાન્ય રીતે નવા કન્ટેનર ટર્મિનલને આ સ્તરે પહોંચતા વર્ષો લાગતા હોય છે, પરંતુ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલે તેની શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને શિપિંગ લાઇન સાથેના મજબૂત સંકલન દ્વારા આ સિદ્ધિ ખૂબ જ ટૂંકા ગાળામાં મેળવી છે.

800 મિલિયન ડોલરનું વ્યૂહાત્મક રોકાણ

આ પ્રોજેક્ટ અદાણી પોર્ટ્સ, શ્રીલંકાના જોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી વચ્ચેની સંયુક્ત ભાગીદારી છે. લગભગ 800 મિલિયન ડોલર (આશરે રૂપિયા 6600 કરોડથી વધુ) ના રોકાણ સાથે તૈયાર થયેલું આ ટર્મિનલ શ્રીલંકાનું સૌથી મહત્વપૂર્ણ બંદરિય માળખું (પોર્ટ્સ નેટવર્ક) છે. નોંધનીય છે કે, ભારતના લગભગ 45 ટકા કન્ટેનર કાર્ગોનું સંચાલન આ ટર્મિનલ દ્વારા થાય છે, જે ભારત-શ્રીલંકાના વેપાર સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.

આધુનિક ટેકનોલોજી અને ક્ષમતા

  • સંપૂર્ણ સ્વચાલિત: તે કોલંબો બંદરનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ઊંડા પાણીનું ટર્મિનલ છે.
  • વિશાળ જહાજો માટે અનુકૂળ: 20 મીટરની ઊંડાઈ અને 1,400 મીટરની ખાડી હોવાથી દુનિયાના સૌથી મોટા જહાજો અહીં સરળતાથી બર્થ કરી શકે છે.
  • વાર્ષિક ક્ષમતા: આ ટર્મિનલની કુલ વાર્ષિક ક્ષમતા 3.2 મિલિયન TEUs છે.
  • પર્યાવરણ મૈત્રીપૂર્ણ: ઇલેક્ટ્રિફાઇડ યાર્ડ સાધનો અને ડિજિટલ પદ્ધતિઓ દ્વારા અહીં ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા અને ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ સફળતા સાથે અદાણી પોર્ટ્સ તેના આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહ્યું છે. હાલ અદાણી પોર્ટ્સ ભારતમાં 15 અને વિદેશમાં 4 બંદરોનું સંચાલન કરી રહ્યું છે, જે તેને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી દરિયાઈ માળખાગત સર્વિસ પ્રોવાઈડર કંપની બનાવે છે.


આ પણ વાંચો - Gautam Adani ખરીદશે વધુ એક કંપની, NCLTએ રિઝોલ્યુશન પ્લાનને આપી દીધી મંજૂરી


  • Follow us on: