વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ બ્રેન્ટ ક્રૂડ અને અમેરિકી ક્રૂડના ભાવમાં 14 થી 15 ટકા સુધીનો કડાકો બોલી ગયો છે. ટ્રમ્પના આ આશાસ્પદ નિવેદનથી માત્ર તેલના ભાવ જ નથી ઘટ્યા, પરંતુ શેરબજાર અને ભારતીય રૂપિયામાં પણ તેજી આવવાની સંભાવના વધી ગઈ છે.

ટ્રમ્પના નિવેદનની અસર

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા આગામી 5 દિવસ સુધી ઈરાનના કોઈ પણ પાવર પ્લાન્ટ કે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે નહીં. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે અર્થપૂર્ણ વાતચીત થઈ છે, જે યુદ્ધના નિર્ણાયક ઉકેલ તરફ દોરી શકે છે.

આ નિવેદન બાદ બજારમાં સપ્લાય ખોરવાવાનો ડર ઓછો થયો અને કિંમતો નીચે આવી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ જે 107 ડોલરની આસપાસ હતું તે ઘટીને 91.89 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.

ભારતીય બજાર પર શું અસર થશે?

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત જેવા દેશો માટે સારા સમાચાર છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. જો તેલના ભાવ નીચા રહેશે તો મોંઘવારી પર લગામ લાગશે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ રાહત મળી શકે છે.

પોઝિટિવ અસર જોવા મળી શકે છે

મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ પોઝિટિવ અસર જોવા મળી શકે છે. ઈરાને પણ ટ્રમ્પના આ નિર્ણયને પોતાની કડક ચેતવણીની અસર ગણાવી છે, જોકે વાતચીત અંગે હજુ ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


આ પણ વાંચો - Iraq-Qatarમાં તેલ ઉત્પાદન ઠપ્પ: વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ, શું ક્રૂડ ઓઈલ $113ની સપાટી વટાવશે?