પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વેપારી જહાજો પાસેથી અતિશય ફી વસૂલવાનો આરોપ છે.
અધધધ વસુલાઇ ફી
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી અતિશય ફી વસૂલવાના આરોપો વચ્ચે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તણાવ વધ્યો છે. આ મહત્વપૂર્ણ તેલ માર્ગના વિક્ષેપથી વૈશ્વિક ઇંધણ પુરવઠા અને ભાવ પર અસર પડી છે. કેટલાક જહાજો પાસેથી સલામત માર્ગ માટે આશરે ₹18 કરોડ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. ઈરાની સાંસદ અલાઉદ્દીન બોરોજેર્દીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે યુદ્ધને કારણે થયેલા ખર્ચમાં વધારો થવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
દરિયાઈ માર્ગ પર ઈરાનનું નિયંત્રણ
ઈરાની સાંસદ અલાઉદ્દીન બોરોજેર્દી વધુમાં કહ્યુ છે કે, આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર ઈરાનનું નિયંત્રણ છે. તેથી તેમાંથી પસાર થતા જહાજો પર ચાર્જ વસૂલવો સ્વાભાવિક છે. તેવી જ રીતે, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે કે આ માર્ગ ફક્ત એવા દેશોના જહાજો માટે બંધ કરવામાં આવી રહ્યો છે જેમને ઈરાન તેના વિરોધી માને છે. હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે વિશ્વના તેલ અને પ્રવાહી કુદરતી ગેસનો આશરે 20 ટકા ભાગ તેમાંથી પસાર થાય છે.
ઇરાન અને અમેરિકા વચ્ચે વધ્યો તણાવ
માર્ચની શરૂઆતથી અવરોધને કારણે હવે વૈશ્વિક ઇંધણના ભાવ પર અસર પડી છે અને શિપિંગ ટ્રાફિકમાં ઘટાડો થયો છે. જો કે, ઈરાન બધા જહાજો પર સમાન નિયમો લાગુ કરી રહ્યું નથી. ભારતીય LPG જહાજોને આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે અને એક પાકિસ્તાની ટેન્કર પણ પસાર થયું છે. જે દર્શાવે છે કે કેટલાક કિસ્સાઓમાં મુક્તિ આપવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકની અંદર જળમાર્ગ ખોલવાની ચેતવણી આપી છે. જ્યારે ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. જો તેમના પાવર પ્લાન્ટ પર હુમલો કરાય તો સ્ટ્રેટ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Hong Kongથી London જતી ફ્લાઇટમાં મહિલાનું મોત, મૃતદેહ 13 કલાક સુધી ગેલેરીમાં જ મુકાયો
