આ ઘટના બાદ ફ્લાઇટ રોકાઇ ન હતી અને મૃતદેહને ગેલેરીમાં મુકાયો હતો. ગરમ ફ્લોરથી દુર્ગંધ ફ્લાઇટમાં પ્રસરી હતી.
ફ્લાઇટમાં અનહોની ઘટના
બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં આઘાતજનક ઘટના બની હતી. હોંગકોંગથી લંડન જતી ફ્લાઇટ BA32માં ટેકઓફ કર્યા પછી તરત જ 60 વર્ષની મહિલા મુસાફરનું મૃત્યુ થયું હતુ. ફ્લાઇટ એરબસ A350-1000 હતી. ટેકઓફ કર્યાના લગભગ એક કલાક પછી મહિલાનું મૃત્યુ થયું. આ ઘટના બાદ, પાઇલટ્સ ફ્લાઇટને હોંગકોંગ પાછી વાળી શક્યા હોત અથવા હવામાં ક્યાંક ઉતરાણ કરી શક્યા હોત, પરંતુ તેઓએ એવું કર્યુ ન હતુ.
શું છે નિયમો ?
નિયમો અનુસાર, મુસાફરના મૃત્યુને તબીબી કટોકટી ગણવામાં આવતી નથી. તેથી, ફ્લાઇટ સીધી લંડન જતી રહી. શરૂઆતમાં, ક્રૂ સભ્યોએ મહિલાના મૃતદેહને શૌચાલયમાં રાખવાનું વિચાર્યું, પરંતુ આ યોગ્ય લાગ્યું નહીં. ત્યારબાદ મૃતદેહને ધાબળામાં લપેટીને ગેલેરીમાં મૂકવામાં આવ્યો હતો. આ એ જગ્યા છે જ્યાં ખોરાક તૈયાર કરવામાં આવે છે. જોકે, ક્રૂ ભૂલી ગયો કે ફ્લોર ગરમ છે.
બોર્ડમાં 331 મુસાફરો
આશરે 13.5 કલાકની ફ્લાઇટ દરમિયાન, ગરમ ફ્લોરને કારણે શરીરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. બોર્ડમાં કુલ 331 મુસાફરો હતા. લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચ્યા પછી, પોલીસ બોર્ડ પર આવી અને તપાસ શરૂ કરી. આ સમય દરમિયાન, બધા મુસાફરોને લગભગ 45 મિનિટ સુધી તેમની સીટ પર રાહ જોવી પડી. એરલાઇન્સે બાદમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સમગ્ર ઘટનામાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. કંપનીએ મહિલાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ક્રૂને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ શુ કહ્યુ ?
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નિયમો અનુસાર, જો કોઈ મુસાફરની ફ્લાઇટ દરમિયાન મોત થાય છે તો, તેના શરીરને બોડી બેગમાં મૂકવામાં આવે છે અથવા ધાબળોથી ઢાંકીને અસ્પષ્ટ જગ્યાએ મૂકવામાં આવે છે. જો કોઈ ખાલી સીટ હોય, તો તેને ત્યાં ખસેડી શકાય છે, અથવા તે જ સીટ પર રહી શકે છે. ફ્લાઇટમાં મુસાફરોનું મૃત્યુ અત્યંત દુર્લભ છે. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં 2013ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફ્લાઇટમાં તબીબી કેસોમાં માત્ર 0.3% મૃત્યુ થાય છે.
આ પણ વાંચોઃ અમેરિકા અને ઇઝરાયલ સામેના યુદ્ધમાં કેટલા દેશો ઇરાનને આપી રહ્યા છે ટેકો?, જાણો
