મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે અસર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ કતારે ભારતને થતા એલએનજી (LNG) ગેસ સપ્લાયમાં લગભગ 40 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે ભારત કુદરતી ગેસની જરૂરિયાત માટે મોટાપાયે કતાર પર નિર્ભર છે.
ઇરાને દુનિયાના સૌથી મોટા LNG પ્લાન્ટમાં હુમલો કર્યો
માહિતી મુજબ ઈરાને કતાર સ્થિત દુનિયાના સૌથી મોટા LNG પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ખાસ કરીને રાસ લફ્ફાન અને મેસાઈદ વિસ્તારમાં આવેલા ગેસ સંકુલોને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ગંભીર હતો કે કતારને તાત્કાલિક અસરથી પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. પરિણામે વૈશ્વિક ગેસ સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે.
કતારે પ્લાન્ટ બંધ કરતા દુનિયાભરને ગેસ સપ્લાય પર અસર
પ્લાન્ટ બંધ થતાં માત્ર ભારત જ નહીં પરંતુ યુરોપ અને એશિયાના અનેક દેશોમાં પણ ગેસ પુરવઠા અંગે ચિંતા વધી છે. કતાર વિશ્વના મુખ્ય LNG નિકાસકાર દેશોમાંનો એક છે અને તેની સપ્લાયમાં ખલેલ પડે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજી આવવાની શક્યતા છે.
ભારત વર્ષે 27 મિલિયન ટન LNGની આયાત કરે છે
ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNGની આયાત કરે છે, જેમાંથી લગભગ 40 ટકા પુરવઠો કતારથી આવે છે. તેથી કતાર તરફથી સપ્લાયમાં ઘટાડો ભારતના ઉર્જા ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે છે. સરકારે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા અને સ્થિતિ પર નજર રાખવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર પરિસ્થિતિએ વૈશ્વિક ઉર્જા સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે.
આ પણ વાંચો : Lebanonમાં ઘુસી ઈઝરાયેલી સેના, હિઝબુલ્લાહે આપી મોટી ધમકી