કેનેડાના મોન્ટ્રીયલ નજીક હેલિકોપ્ટર ક્રેશની ભયાનક દુર્ઘટના ઘટી છે. જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે. ખાનગી હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ કે અન્ય સમસ્યા સર્જાવાને કારણે તે ક્રેશ થયું હતું, જેના પગલે તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુઘર્ઘટના બાદ વૈશ્વિક સ્તરે સુરક્ષા અને વિમાન અકસ્માતોની ચર્ચાઓ ફરી જોર પકડી રહી છે.

કોઇ ગંભીર ખામી સર્જાતા બની ઘટના

ક્વિબેક પ્રાંતીય પોલીસના પ્રવક્તા ઓડ્રી-એન બિલોડોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મોન્ટ્રીયલથી અંદાજે 50 કિલોમીટર (31 માઈલ) દક્ષિણપૂર્વમાં આવેલા સેન્ટ-બ્રિગાઇડ-ડી'ઇબરવિલે વિસ્તારમાં થયો હતો. શનિવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ક્રેશ થતા પહેલા હેલિકોપ્ટરમાં કોઈ ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ખાનગી હેલિકોપ્ટર હોવાનું જણાયું

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અગ્નિશામકોએ ભારે જહેમત બાદ લગભગ એક કલાકમાં હેલિકોપ્ટરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, દુર્ઘટના એટલી ભયાનક હતી કે હેલિકોપ્ટરમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યા હતા. પ્રાંતીય પોલીસે હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરી નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ હેલિકોપ્ટર એક ખાનગી વિમાન હોવાનું જણાઈ આવ્યું છે.

હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ અકબંધ 

આ ગંભીર અકસ્માતની સઘન તપાસ માટે કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા વિશેષ તપાસકર્તાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી, અને એજન્સી દ્વારા વિવિધ પાસાઓ પર તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓની અગાઉની આવી જ એક અન્ય ઘટનામાં, યુ.એસ.ના યોસેમાઇટ નેશનલ પાર્કમાં જંગલની આગ ઓલવતી વખતે પાણી છોડતા બે હેલિકોપ્ટર ક્રેશ થયા હતા, જેમાં બે પાઇલટ્સના મોત થયા હતા. કેનેડાની તાજેતરની આ ઘટનાને પગલે ફરી એકવાર એવિએશન સેફટી અને ટેકનિકલ ખામીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ US: 'નોરઇસ્ટર' વાવાઝોડાનો કહેર, 400થી વધુ ફ્લાઇટ્સ રદ્દ, લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર