કેનેડાના ટોરેન્ટો શહેકમાં શનિવાર બપોરથી એક ઇમિગ્રેશન વિરોધી રેલી અને તેના જવાબમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ખૂબ જ હંગામો થયો હતો. આ દરમિયાન ટોરોન્ટો પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના શહેરના ક્રિસ્ટી પિટ્સ પાર્ક વિસ્તારમાં બની હતી.
પહેલી ધરપકડ અને રેલીની શરૂઆત
એક સ્થાનિક સમાચાર એજન્સી મુજબ, પહેલી ધરપકડ બપોરે 12:40 વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે) બ્લોર સ્ટ્રીટ વેસ્ટ અને ક્રિસ્ટી સ્ટ્રીટ નજીક થઈ, જ્યાં એક વ્યક્તિ પર હુમલો કરવાનો આરોપ મૂકાયો. ત્યારબાદ આખા દિવસે કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી.
કેનેડિયન નાગરિકોને પ્રાથમિકતા મળી રહે
આ રેલી 'કેનેડા ફર્સ્ટ પેટ્રિયટ રેલી' તરીકે આયોજિત કરવામાં આવી હતી. આયોજકોનો દાવો હતો કે આ રેલી 'સામૂહિક ઇમિગ્રેશન' એટલે કે મોટા પાયે થઈ રહેલા વસાહત વિરોધમાં અને કેનેડિયન મૂલ્યોની રક્ષા માટે છે. રેલીના આયોજક જો એનીયડઝારે રેડિયો-કેનેડાને કહ્યું હતું, અમારો ઉદ્દેશ છે કે કેનેડિયન નાગરિકોને પ્રાથમિકતા મળી રહે, દેશને પ્રથમ રાખવામાં આવે. મોટા પાયે થઈ રહેલું ઇમિગ્રેશન અમારા રાષ્ટ્રીય સ્ત્રોતો પર દબાણ ઊભું કરી રહ્યું છે.
વિરોધ-પ્રદર્શનમાં હજારો લોકો એકઠા થયા
આ રેલીનો વિરોધ કરવા માટે હજારો લોકો એજ પાર્કમાં ભેગા થયા. આ લોકો ઇમિગ્રન્ટ્સ અને આંશિક સમુદાયોના સમર્થનમાં આવ્યા હતા. ઓન્ટારિયો ફેડરેશન ઑફ લેબરે પોતાના ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે ક્રિસ્ટી પિટ્સ પાર્ક લાંબા સમયથી ફાસિવાદ વિરુદ્ધ આંદોલનોનું કેન્દ્ર રહ્યો છે. આ પાર્ક વિદેશી સમુદાયો, આદિવાસીઓ, LGBTQ+ સમુદાય, હિંસાના ભોગ બનેલા લોકો, ઘરવિહોણા લોકો, કલાકારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.