ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં થયેલા ગંભીર કોકપિટ હુમલા બાદ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ઓમાની કો-પાઇલટના હુમલામાં કેપ્ટન મચ્છરને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સઉદી અરેબિયાના તબુક ખાતે ઈમરજન્સી લેન્ડિંગ બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ખોપરીની સર્જરી કરવામાં આવી હતી.
કોકપિટમાં ક્રેશ ઍક્સથી હુમલો
મળતી માહિતી મુજબ, હુમલા દરમિયાન કો-પાઇલટે કોકપિટમાં રાખવામાં આવેલી ક્રેશ ઍક્સથી કેપ્ટન મચ્છર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમની ખોપરીમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું અને હાડકું અંદરની તરફ ધસી ગયું હતું. તબીબી ભાષામાં આવી ઈજાને ડિપ્રેસ્ડ સ્કલ ફ્રેક્ચર કહેવામાં આવે છે. માથામાંથી ભારે લોહી વહેવા છતાં કેપ્ટન મચ્છરે કોકપિટની સ્થિતિ સંભાળવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.
ગંભીર ઈજા છતાં કોકપિટનો દરવાજો ખોલ્યો
હુમલા બાદ કેપ્ટન મચ્છર કોકપિટના ફ્લોર પર પડી ગયા હતા. તેમ છતાં તેમણે કોકપિટનો દરવાજો અંદરથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કેબિન ક્રૂ અને મુસાફરો અંદર આવી શકે. દરવાજો ખુલ્યા બાદ ક્રૂ સભ્યો અને મુસાફરોએ કોકપિટમાં પહોંચીને કો-પાઇલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા
કેપ્ટન મચ્છરને માથા ઉપરાંત હાથ, પગ, છાતી અને પેટના ઉપરના ભાગમાં પણ ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તબુકમાં પ્રાથમિક સારવાર અને ખોપરીની સર્જરી બાદ તેમને વધુ સારવાર માટે અબુ ધાબી લાવવામાં આવ્યા હતા. હાલ તેઓ મિલિટરી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
PM Modi સાથેની વાતચીતમાં પાઇલટે સંભળાવી આપવીતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોલ દરમિયાન કેપ્ટન મચ્છરે ઘટનાની ગંભીર સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘાયલ હાલતમાં ફ્લોર પર પડ્યા હતા અને તેમના પર હુમલો ચાલુ હતો.આ દરમિયાન તેમને અનુભવાયું કે 170થી વધુ મુસાફરો અને ક્રૂને લઈને જઈ રહેલું વિમાન નીચે જઈ રહ્યું છે. ત્યારે તેમણે કોઈપણ રીતે કોકપિટનો દરવાજો ખોલવો જરૂરી હોવાનું નક્કી કર્યું હતું.
ફ્લાઈટમાં અચાનક 18,000 ફૂટનો ઘટાડો
ફ્લાઈદુબઈની ફ્લાઈટ એફઝેડ1073 દુબઈથી તેલ અવીવ જવા માટે રવાના થઈ હતી. ઉડાનના આશરે 2.5 કલાક બાદ વિમાન અચાનક લગભગ 18,000 ફૂટ નીચે ગયું હતું. પાઇલટ્સે પહેલાં એર ટ્રાફિક કંટ્રોલને ઈમરજન્સી સિગ્નલ મોકલ્યો હતો અને ત્યારબાદ વિમાનનો સ્ક્વોક કોડ 7500 સેટ કરવામાં આવ્યો હતો. આ કોડ હાઈજેકની સ્થિતિ દર્શાવે છે.
સઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ
ઘટના બાદ વિમાનને સઉદી અરેબિયાના તબુક સ્થિત પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ઓમાની કો-પાઇલટનો હુમલો
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બાદમાં જણાવ્યું હતું કે ઓમાની કો-પાઇલટ હમદ અલ-હમામીએ કેપ્ટન મચ્છર પર હુમલો કર્યો હતો અને સંભવતઃ વિમાનને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો