મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલ અબ્બા ક્ષેત્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મંગળવારે 18 ઓગસ્ટના રોજ અચાનક સોનાની ખાણ ધસી પડવાને કારણે ઓછામાં ઓછા 30 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે સ્થાનિક સ્તરે વ્યાપક ગભરાટ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
સોનાની ખાણ ધસી પડી
અહેવાલો અનુસાર, નાના-મામ્બેરે પ્રાંતના અબ્બા વિસ્તારમાં ચાલી રહેલી આ નાની અને પરંપરાગત સોનાની ખાણમાં અચાનક કડાકો બોલ્યો હતો અને તે ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બચી ગયેલા ફ્લોરિયન ગાગુએન્ડે નામના શ્રમિકે જણાવ્યું કે ખાણ તૂટી પડતાં મોટી સંખ્યામાં કામદારો અંદર દબાઈ ગયા હતા. ઘટનાસ્થળે સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવાથી કાટમાળ નીચે દબાયેલા લોકોને જીવતા બહાર લાવવાની શક્યતાઓ ખૂબ જ નહિવત બની ગઈ છે.
ખાણ ધસતા 30 લોકોના માતો, અનેક ગુમ
અબ્બા ઉપ-પ્રાંતના ડેપ્યુટી મેયર સુલેમાન બીએ માહિતી આપી હતી કે કલાકોની ભારે જહેમત બાદ સ્થાનિક લોકો અને બચાવકર્મીઓએ ખાણના કાટમાળમાંથી ૩૦ જેટલા શબ બહાર કાઢ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક ખાણિયાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડેપ્યુટી મેયરે આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવીને પીડિતોને મદદ કરવા માટે સંગઠનો અને જનતાને અપીલ કરી છે. ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો ફૂટેજમાં હૃદય કંપાવનારી તસવીરો જોવા મળી છે, જેમાં કાદવથી ખરડાયેલા મૃતદેહોને બહાર કઢાઈ રહ્યા છે અને ઘાયલ શ્રમિકો મદદ માટે આર્તનાદ કરી રહ્યા છે.
ખાણ કામ શ્રમિકો માટે જોખમી
મધ્ય આફ્રિકન રિપબ્લિક સરકારના પ્રવક્તા એવેરિસ્ટ ન્ગામાનાએ આ દુર્ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે. તેમણે ખાતરી આપી છે કે સરકારી તંત્ર અસરગ્રસ્તો અને તેમના પરિવારજનોને ઝડપથી રાહત અને સહાય પૂરી પાડવા માટે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે આ દેશમાં નાના પાયે ચાલતી પરંપરાગત સોનાની ખાણોમાં આવા અકસ્માતો અવારનવાર સર્જાતા હોય છે. અહીં પૂરતા પ્રમાણમાં આધુનિક સલામતી સાધનો અને સુવિધાઓનો અભાવ હોવાને કારણે આ પ્રકારનું ખાણકામ શ્રમિકો માટે હંમેશાં ખૂબ જ જોખમી અને જીવલેણ સાબિત થતું હોય છે.
આ પણ વાંચોઃ UPમાં વરસાદનો કહેર, 13 જિલ્લાના 173 ગામો જળમગ્ન, 4,800 થી વધુ લોકોનું સ્થળાંતર