અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે વિઝા નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમ મુજબ, હવે વિદ્યાર્થીઓને મળતી 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' (Duration of Status) સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે અને તેના બદલે ચાર વર્ષની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા નિયમો

ચાર વર્ષની મર્યાદા: F, J, અને I વિઝા ધારક વિદ્યાર્થીઓને હવે વધુમાં વધુ ચાર વર્ષ માટે જ રહેવાની મંજૂરી મળશે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાર વર્ષથી વધુ સમય લે છે, તેમણે વધારાના સમય માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) પાસે અરજી કરવી પડશે.

સરકારી તપાસમાં વધારો: અગાઉ વિઝા લંબાવવાની પ્રક્રિયામાં યુનિવર્સિટીઓ અને કોલેજોની ભૂમિકા મુખ્ય હતી, પરંતુ હવે નિર્ણય લેવાની સત્તા યુએસ સરકાર પાસે રહેશે. આ માટે બાયોમેટ્રિક ચકાસણી અને પૃષ્ઠભૂમિ તપાસ જેવી કડક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.

ગ્રેસ પિરિયડમાં ઘટાડો: અભ્યાસ પૂર્ણ કર્યા પછી અથવા કોલેજ બદલ્યા પછી યુએસ છોડવા માટે મળતો 60 દિવસનો સમય ઘટાડીને હવે 30 દિવસ કરી દેવામાં આવ્યો છે.

પત્રકારો માટે મર્યાદા: વિદેશી પત્રકારો માટે રોકાણનો સમયગાળો 240 દિવસ (આશરે 8 મહિના) નક્કી કરવામાં આવ્યો છે. જોકે, તેમાં વધારા માટે અરજી કરી શકાશે. ચીની પત્રકારો માટે આ સમયગાળો માત્ર 90 દિવસનો રાખવામાં આવ્યો છે.

સરકારનો તર્ક શું છે?

DHS નું માનવું છે કે 1978 થી ચાલી આવતી જૂની સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને ઘણા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી અમેરિકામાં રોકાઈ રહેતા હતા. સરકારનો દાવો છે કે આ નવા નિયમોથી ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ સુરક્ષિત બનશે, વિઝાના દુરુપયોગ પર લગામ લાગશે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થશે.

વિદ્યાર્થીઓ પર અસર:

અમેરિકામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે, તેથી આ નિર્ણયની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. હવે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અને વિઝાના સમયગાળાનું આયોજન અત્યંત સાવચેતીપૂર્વક કરવું પડશે. આ નિયમ ટૂંક સમયમાં ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થશે અને ત્યારબાદ 60 દિવસમાં અમલી બનશે. જે વિદ્યાર્થીઓ હાલમાં પણ આ સિસ્ટમ હેઠળ છે, તેમને પણ આ નિયમો લાગુ પડશે. આ ફેરફાર ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવવાની વ્યૂહરચનાનો એક હિસ્સો છે.

આ પણ વાંચોઃ Balochistanનો પાકિસ્તાની સેના પર હુમલો, બસને બોમ્બથી ઉડાવી, 45થી વધુ સૈનિકોના મોતના દાવાથી ખળભળાટ