સોશિયલ મીડિયા પર હાલમાં ચીનના શાંઘાઈ શહેરનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ચાલુ અને વ્યસ્ત રસ્તો આંખના પલકારામાં જમીનમાં ધસી જતો જોવા મળે છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે રસ્તાનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડે છે અને જોતજોતામાં ત્યાં એક વિશાળ કાળમુખો ખાડો બની જાય છે. આ દુર્ઘટનામાં આસપાસના બાંધકામો પણ જોખમાયા હતા.
જમીન ધસવાનું મૂળ કારણ નરમ માટી
ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના મતે, શાંઘાઈ શહેરની ભૌગોલિક સ્થિતિ આ પ્રકારની ઘટનાઓ માટે મુખ્ય જવાબદાર છે. શાંઘાઈની જમીન મુખ્યત્વે નદી દ્વારા વહન કરીને લાવવામાં આવેલી 'નરમ માટી'થી બનેલી છે. આ માટીમાં રેતીના પાતળા સ્તરો હોય છે જે લાંબા સમય સુધી ભારે દબાણ સહન કરી શકતા નથી.
https://twitter.com/Osint613/status/2021863470250033425
આ કારણોસર જમીન ધસી પડવાની બને છે ઘટના
જમીન નીચેથી સતત પાણી ખેંચવાને કારણે નીચે ખાલી જગ્યાઓ (Cavities) સર્જાય છે, જે ઉપરના રસ્તાનું વજન ઝીલી શકતી નથી.જાન્યુઆરી 2024માં મિનહાંગ જિલ્લામાં બનેલી ઘટનામાં ગટરની પાઇપલાઇન લીક થવાને કારણે જમીન અંદરથી પોચી પડી ગઈ હતી અને રસ્તો 10 મીટર નીચે બેસી ગયો હતો. ગગનચુંબી ઈમારતો અને મેટ્રોના કામકાજને કારણે જમીન પરનું દબાણ સતત વધી રહ્યું છે.
માનવીય ભૂલોનો મોટો ફાળો
ચોંકાવનારી વિગત એ છે કે વર્ષ 2017 થી 2023 દરમિયાન ચીનમાં નોંધાયેલા સિંકહોલ્સમાંથી લગભગ 72% ઘટનાઓ માનવસર્જિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હતી. જેમાં નબળી માળખાકીય સુવિધાઓ, એન્જિનિયરિંગમાં રહેલી ખામીઓ અને મેઈન્ટેનન્સનો અભાવ મુખ્ય છે. સદનસીબે, તાજેતરની શાંઘાઈની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ વીડિયોએ લોકોમાં ભારે ડર પેદા કર્યો છે.
આ પણ વાંચોઃ Bengaluru: હોસ્કોટ દબાસ્પેટ હાઈવે પર ભયંકર અકસ્માત, એક સાથે અથડાઇ ત્રણ ગાડીઓ, 7 લોકોના કમકમાટીભર્યા મોત