સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકાય છે. આ શક્તિનો અનોખો દાખલો ચીનમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવકને પોતાની જ લગ્નમાં કોઈ સગાંસંબંધીઓ કે નજીકના લોકો હાજર નહીં રહે તેવી ચિંતા હતી. તેથી તેણે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. યુવકને આશા હતી કે થોડા લોકો તેની ખુશીમાં જોડાશે, પરંતુ લગ્નના દિવસે હજારો લોકો હાજર થતાં તેની ખુશીનો પાર રહ્યો નહોતો.

બાળપણથી જ એકલતાનો સામનો

આ ઘટના ચીનના યુનાન પ્રાંતના ઝાઓતોંગની હોવાનું જણાવાય છે. અહીં રહેતા શિયાઓ શિયાઓ જૂએ 31 ઓક્ટોબરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જૂએ જણાવ્યું હતું કે તેમનું બાળપણ એકલતા અને મુશ્કેલીઓમાં પસાર થયું હતું. તેઓ ખૂબ નાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમની માતાએ બીજા લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં જૂ અને તેમના મોટા ભાઈએ એકબીજાનો સહારો બની જીવન પસાર કર્યું હતું. પરિવારમાં એવું કોઈ નહોતું જે તેમની લગ્નની ખુશીમાં જોડાઈ શકે. તેથી જૂને ચિંતા હતી કે લગ્નમાં કદાચ કોઈ મહેમાન નહીં આવે.

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોને આમંત્રણ

લગ્નમાં કોઈ નજીકનું વ્યક્તિ હાજર નહીં રહે તેવી આશંકા થતાં જૂએ સોશિયલ મીડિયા પર લોકોને પોતાની લગ્નવિધિમાં આવવાની અપીલ કરી હતી.

લગ્ન માટે અંદાજે રૂ.20 લાખ બચાવ્યા હતા

તેમણે પોતાની મહેનતથી લગ્નના ખર્ચ માટે 1,60,000 યુઆન એટલે કે અંદાજે રૂ.20 લાખ બચાવ્યા હતા. જોકે, તેમને જરાય અંદાજ નહોતો કે સોશિયલ મીડિયા પર કરેલી તેમની નાનકડી અપીલ આટલી મોટી ખુશીમાં પરિવર્તિત થઈ જશે.

લગ્નમાં હજારો લોકો ઉમટી પડ્યા

લગ્નના દિવસે જૂને આશ્ચર્ય થયું હતું. તેમની ખુશીમાં જોડાવા માટે થોડા લોકો નહીં, પરંતુ હજારો લોકો પહોંચ્યા હતા. આ મહેમાનો માત્ર લગ્નમાં હાજરી આપવા જ નહોતા આવ્યા, પરંતુ પોતાની સાથે ખાવા-પીવાની વસ્તુઓ અને ભેટસોગાદો પણ લઈને આવ્યા હતા.

આ દંપતીની ખુશીને યાદગાર બનાવી દીધી 

યુનફેંગ ગામ સમિતિના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આ આયોજનને અપેક્ષા કરતાં ઘણો વધારે લોકોનો સહયોગ મળ્યો હતો. ગામના લોકો અને સોશિયલ મીડિયા પર જોડાયેલા અજાણ્યા લોકોએ મળીને આ દંપતીની ખુશીને યાદગાર બનાવી દીધી હતી.

સોશિયલ મીડિયા પર ભાવુક પ્રતિક્રિયાઓ

આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ભાવુક પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે આ કહાની વાંચીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કેટલાક લોકોએ એવી આશા પણ વ્યક્ત કરી કે ગામના લોકો આવનારા વર્ષોમાં પણ આ દંપતીનો સાથ આપશે અને તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણીમાં જોડાશે. 


આ પણ વાંચો :   Shivpuri: શ્રીકૃષ્ણના સ્વરૂપ પર ટિપ્પણી બદલ ધીરેન્દ્ર શાસ્ત્રીને કાનૂની નોટિસ, 15 દિવસમાં માફીની માંગ