અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના અર્થતંત્રની કમર તોડવા માટે વધુ એક આક્રમક પગલું ભર્યું છે. ટ્રમ્પ પ્રશાસને ચીન સ્થિત એક વિશાળ ઓઈલ રિફાઈનરી અને લગભગ 40 જેટલી શિપિંગ કંપનીઓ પર આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ તમામ કંપનીઓ પર ઈરાની તેલના ગેરકાયદેસર પરિવહન અને વેપારમાં મદદ કરવાનો ગંભીર આરોપ છે.


ચીનની મોટી રિફાઈનરી નિશાના પર

આ નવા પ્રતિબંધોમાં ચીનના ડાલિયન પોર્ટ પર સ્થિત 'હિંગલી પેટ્રોકેમિકલ' રિફાઈનરીનો સમાવેશ થાય છે. આ રિફાઈનરી ચીનની સૌથી મોટી સ્વતંત્ર રિફાઈનરીઓ પૈકીની એક છે, જે દરરોજ 4,00,000 બેરલ ક્રૂડ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકી ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, આ કંપની 2023 થી ઈરાની તેલ ખરીદી રહી છે, જેનાથી ઈરાની સેનાને કરોડો ડોલરની કમાણી થઈ રહી છે.

હોર્મુઝ પર નાકેબંધી અને કડક ચેતવણી

અમેરિકાએ માત્ર પ્રતિબંધો જ નથી લગાવ્યા, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર ભૌતિક નાકેબંધી પણ કરી દીધી છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે કોઈ દેશ કે નાણાકીય સંસ્થા ઈરાન સાથે વેપાર કરશે અથવા ઈરાની પૈસા પોતાના બેંકોમાં રાખશે, તેમણે અમેરિકાના કડક 'સેકન્ડરી પ્રતિબંધો'નો સામનો કરવો પડશે. આ સંદર્ભે ચીન, હોંગકોંગ, યુએઈ (UAE) અને ઓમાનને પહેલેથી જ પત્ર લખીને સાવધ કરવામાં આવ્યા છે.

વૈશ્વિક તેલ બજાર પર અસર

એકતરફ અમેરિકાએ રશિયન તેલ પર કામચલાઉ છૂટ આપી છે, તો બીજી તરફ ઈરાની તેલ સપ્લાયને સંપૂર્ણપણે બંધ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સ્થિતિમાં વૈશ્વિક બજારમાં તેલની કિંમતો વધવાની શક્યતા છે. ચીને આ પ્રતિબંધોનો વિરોધ કરતા તેને આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત પહેલા લેવાયેલા આ નિર્ણયથી અમેરિકા-ચીન સંબંધોમાં ફરી ગરમાવો આવ્યો છે.


આ પણ વાંચો: US Immigration:અમેરિકાના વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ? ભારતીયોને મોટો ઝટકો,અમેરિકામાં નવો કાયદો શું છે જાણો

  • Follow us on: