ચીન-લદ્દાખ સરહદ નજીક ગુરુવારે રાત્રે 10:26 વાગ્યે 5.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ આંચકા એટલા તીવ્ર હતા કે તેનો અનુભવ જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારો સુધી થયો હતો. 'કાશ્મીર વેધર' ના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ચીનના શિનજિયાંગ પ્રદેશમાં 35.587 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.130 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જમીનની અંદર 164 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવા છતાં અને ઊંડાઈ વધુ હોવાને કારણે મોડી રાત સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ગુરૂવારે પણ અન્ય ભાગોમાં અનુભવાયા હતા આંચકા

ઉલ્લેખનીય છે કે ગુરુવારે દેશના અન્ય ભાગોમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, સાંજે 6:33 વાગ્યે દિલ્હી-એનસીઆરના ફરીદાબાદમાં 2.9 ની તીવ્રતાનો અને સાંજે 7:54 વાગ્યે લક્ષદ્વીપ સમુદ્રમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, આ આંચકાઓની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાથી મોટાભાગના લોકોને તેનો અનુભવ થયો ન હતો.

હિમાલયન ક્ષેત્રમાં વધતી ભૂકંપની પ્રવૃત્તિ

છેલ્લા કેટલાક મહિનાઓથી તિબેટીયન ઉચ્ચપ્રદેશ અને આસપાસના હિમાલયન વિસ્તારોમાં ભૂકંપની સક્રિયતામાં ચિંતાજનક વધારો થયો છે. આ અગાઉ, 22 ઓક્ટોબરે તિબેટમાં લ્હાસાથી 400 કિલોમીટર દૂર 7.0 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર જમીનથી 173 કિલોમીટર ઊંડે હતું.

કુદરતી આફતો અને ગ્લોબલ વોર્મિંગનો ડર

હાલમાં સમગ્ર હિમાલય પ્રદેશ સતત કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદીઓ અને ખડકો ધસી પડવાના કારણે (હિમપ્રપાત) ભયાનક પૂર આવ્યું હતું. આ હોનારતમાં નેપાળમાં 1,455 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો લોકો ગુમ થયા હતા, જ્યારે તિબેટ બાજુ પણ ભારે જાનમાલનું નુકસાન થયું હતું.

પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો (ગ્લોબલ વોર્મિંગ), હિમનદીઓનું ઝડપથી પીગળવું અને હવામાનમાં આવી રહેલા અણધાર્યા ફેરફારોને કારણે કિંગહાઈ-તિબેટ ઉચ્ચપ્રદેશ અને સમગ્ર હિમાલય ક્ષેત્રમાં આવી કુદરતી આફતોનું જોખમ સતત વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ Donald Trump : પહેલા કહ્યુ હું લડતો તો જીતી જાત અને હવે એવું નિવેદન કે મારી હારને કારણે શેરબજાર ક્રેશ થયું