વૈશ્વિક સ્તરે ઈરાન યુદ્ધનો અંત આવ્યા બાદ હવે દુનિયા માથે વધુ એક મોટા જંગના વાદળો ઘેરાઈ રહ્યા છે. ચીન અને તાઇવાન વચ્ચેનો વિવાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ચીને તાઇવાન ટાપુની આસપાસ પોતાની નૌસેનિક તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરીને તેને ચારેય તરફથી ઘેરી લીધું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ચીન માત્ર શક્તિ પ્રદર્શન નથી કરી રહ્યું, પરંતુ તાઇવાન પર ગમે ત્યારે લશ્કરી ચડાઈ કરવાની સચોટ તૈયારી કરી રહ્યું છે.
ચોવીસ કલાક ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર તૈનાત
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, હવે સામાન્ય દિવસોમાં પણ ચીનના 5 થી 6 અત્યાધુનિક યુદ્ધજહાજો તાઇવાન સરહદની આસપાસ કાયમી ધોરણે પેટ્રોલિંગ કરે છે. મે 2026 ના અંતમાં ચીને તેના સૌથી મોટા ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર સહિતના અનેક યુદ્ધજહાજો તાઇવાનના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને તાઇવાન સ્ટ્રેટમાં તૈનાત કરી દીધા હતા. આ કોઈ અસ્થાયી લશ્કરી કવાયત નથી, પરંતુ ચીનની નવી કાયમી વ્યૂહરચનાનો એક ભાગ છે.
વર્ષ દર વર્ષે વધારવામાં આવ્યો ઘેરાવો
ચીને ખૂબ જ ચતુરાઈથી 2020 થી તાઇવાન ફરતે પોતાનો સિકંજો કસવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં માત્ર એક યુદ્ધજહાજ નિયમિત ગશ્ત કરતું હતું. ત્યારબાદ 2022 માં ચોથું જહાજ પૂર્વ કિનારે તૈનાત કરાયું અને વર્ષ 2024 થી અત્યાર સુધીમાં આ સંખ્યા વધારીને 5 થી 6 કરી દેવામાં આવી છે. ચીન પાસે હાલમાં આવા 48 અત્યાધુનિક ડિસ્ટ્રોયર છે, જેમાંથી સૌથી ઘાતક જહાજો તાઇવાનની સરહદે ગોઠવવામાં આવ્યા છે.
અમેરિકાને રોકવાની અને જાસૂસી કરવાની વ્યૂહરચના
સંરક્ષણ નિષ્ણાતોના મતે ચીનના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો છે:
જાસૂસી: ચીની જહાજો તાઇવાનના પૂર્વ કિનારે સમુદ્રની ઊંડાઈ અને નકશા તૈયાર કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં દુશ્મન સબમરીનને શોધી શકાય.
અમેરિકાને દૂર રાખવું: તાઇવાનના પૂર્વીય ભાગમાં હુલિએન અને તાઇતુંગ જેવા મહત્વના સૈન્ય એરબેઝ છે. ચીન ત્યાં કાયમી હાજરી રાખીને અમેરિકા કે તેના સહયોગી દેશોના એરક્રાફ્ટ કેરિયર્સને તાઇવાનની મદદ માટે આવતા રોકવા માંગે છે.
માનસિક દબાણ: ચીન વારંવાર તાઇવાનની એરસ્પેસ અને સમુદ્રી સરહદોનું ઉલ્લંઘન કરીને તાઇવાનની સેનાને માનસિક રીતે નબળી પાડવા માંગે છે જેથી તે ભવિષ્યમાં ચીની કબજાનો પ્રતિકાર ન કરી શકે.
આ પણ વાંચો: Maharashtra Politics:સંજય રાઉતનો શિંદે પર આકરો પ્રહાર,‘કેટલાક લોકો કૂતરા તો હોય છે પણ વફાદાર નથી હોતા!’