ચીન તાઇવાનને પોતાનો જ પ્રદેશ માને છે, જ્યારે તાઇવાન પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ તરીકે જોવે છે. આ મતભેદને કારણે બંને વચ્ચે લાંબા સમયથી રાજકીય અને સૈન્ય તણાવ છે. 2025માં ચીનની સૈન્ય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ભવિષ્યમાં મોટી અથડામણનો સંકેત આપી શકે છે.
દરરોજ 10થી વધુ ઘુસણખોરી
આંકડા મુજબ, 2025 દરમિયાન ચીને તાઇવાનના વાયુમંડળ અને સમુદ્રી સીમા નજીક 3,700થી વધુ વખત ઘુસણખોરી કરી. તેનો અર્થ એ થયો કે દરરોજ સરેરાશ 10થી વધુ વખત ચીનની લશ્કરી હલચલ જોવા મળી. 2024ની સરખામણીએ આમાં 22 ટકા વધારો થયો છે.
“લશ્કરી કવાયત”
ચીન ઘણી વખત “લશ્કરી કવાયત”ના નામે તાઇવાનની આસપાસ યુદ્ધવિમાનો અને નૌકાદળ મોકલે છે. એપ્રિલ અને જુલાઈ 2025 વચ્ચે આ પ્રવૃત્તિઓ સૌથી વધુ રહી હતી. એપ્રિલમાં ચીને ગાઓક્સિઓંગના યોંગ’આન LNG ટર્મિનલ જેવા મહત્વના ઉર્જા કેન્દ્રો પર હુમલાની તૈયારીનો અભ્યાસ પણ કર્યો હતો. આ દર્શાવે છે કે ચીન માત્ર દબાણ જ નથી બનાવી રહ્યું, પરંતુ વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવવાની પ્રેક્ટિસ પણ કરી રહ્યું છે.
તાઇવાનને ઘેરવાની તૈયારી
2025માં ચીને “Strait Thunder 2025A” અને “Justice Mission 2025” નામે બે મોટા પાયે સૈન્ય અભ્યાસ કર્યા. આ કવાયતો દરમિયાન તાઇવાનની આસપાસ વિશાળ સંખ્યામાં યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા. અહેવાલ મુજબ, 2025માં દર મહિને સરેરાશ 221 ચીની યુદ્ધ જહાજો તાઇવાન નજીક જોવા મળ્યા. આ સંખ્યા 2024 કરતાં ઘણી વધારે છે. નિષ્ણાતો માને છે કે આ રીતે તાઇવાનને ચારેય બાજુથી ઘેરીને તેની સપ્લાય ચેઇન અને ઉર્જા પુરવઠો બંધ કરવાની તૈયારી થઈ રહી છે. જો ઉર્જા અને વેપાર માર્ગો અટકાવવામાં આવે, તો તાઇવાન પર ભારે દબાણ ઊભું થઈ શકે છે.
ચીનની આંતરિક સૈન્ય રાજનીતિમાં ફેરફાર
અમેરિકન થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના સર્વે મુજબ, 73 ટકા અમેરિકન વિશ્લેષકો માને છે કે ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ નજીક હોઈ શકે છે. અમેરિકા અગાઉ કહી ચૂક્યું છે કે 2027 સુધીમાં ચીન હુમલો કરી શકે છે, પરંતુ 2025ના આંકડા આ શક્યતાને વધુ વાસ્તવિક બનાવે છે.
ઝાંગ યુક્સિયાને તેમના પદ પરથી દૂર
તાજીતરમાં ચીની સેનાના ઉપપ્રમુખ ઝાંગ યુક્સિયાને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા. મીડિયા અહેવાલો અનુસાર, તેઓ તાઇવાન સામે યુદ્ધના વિરોધમાં હતા. જોકે ચીન સરકારે તેમને ભ્રષ્ટાચારના આરોપોને કારણે હટાવ્યા હોવાનું જણાવ્યું છે. આ ઘટનાએ પણ સંકેત આપ્યો છે કે ચીનની સૈન્ય નીતિ વધુ આક્રમક બની રહી છે.
શું તાઇવાનમાં યુદ્ધ ફાટી શકે?
હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. ચીન ખુલ્લેઆમ હુમલો કરે કે નહીં, પરંતુ તેની સૈન્ય તૈયારી અને સતત દબાણ દર્શાવે છે કે બેઇજિંગ તાઇવાનને ઝૂકાવવા માટે દરેક વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. જો રાજનૈતિક વાતચીત નિષ્ફળ જાય, તોભવિષ્યમાં અથડામણની સંભાવના નકારી શકાય નહીં. દુનિયાભરના દેશો, ખાસ કરીને અમેરિકા, આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તાઇવાન મુદ્દો વૈશ્વિક રાજકારણમાં એક મોટું સંવેદનશીલ મુદ્દો બની ગયો છે.
આ પણ વાંચો : Bangladesh Election 2026 : ચૂંટણી પહેલા હિન્દુ પરિવારને 50 લાખ ટકાની સહાય