ચીનના પૂર્વી દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા વિનાશક તોફાન 'ડોલ્ફિન'એ તેની ભયાનક અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે. શનિવારે ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉ શહેરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ તોફાન હવે ઝેજિયાંગ અને ઉત્તરી ફુજિયાનના દરિયાકાંઠે ટકરાયું છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદને પગલે હાઇ એલર્ટ
વાવાઝોડાના આગમન પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. બજારોમાં દુકાનદારોએ પવનથી ઉડી શકે તેવી વસ્તુઓ અને તંબુઓની છત હટાવી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન ડોલ્ફિન સાથે ફૂંકાતા જોરદાર પવનની ગતિ પ્રતિ કલાક 162 કિલોમીટર સુધી પહોંચી શકે છે. અનેક વિસ્તારોમાં 500 મિમી સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પૂરનું ગંભીર જોખમ ઊભું થયું છે.
1300 ફ્લાઇટ રદ્દ કરાઇ
આ ખરાબ હવામાનની સૌથી મોટી અસર ઉડ્ડયન ક્ષેત્ર પર પડી છે. શાંઘાઈના હોંગકિયાઓ અને પુડોંગ એરપોર્ટ પરથી લગભગ 1300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય ઘણી ઉડાનો પણ પ્રભાવિત થઈ છે.દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાંઘાઈના પ્રખ્યાત યાંગશાન બંદર પરથી 500 થી વધુ જહાજોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
3,90,000 લોકોને સ્થળાંતર કરાયું
સંભવિત જોખમને ટાળવા માટે મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. માત્ર ઝેજિયાંગના તાઈઝોઉ ક્ષેત્રમાંથી જ આશરે 3,90,000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, તેમજ પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ આપત્તિનો સામનો કરવા માટે સરકારે વિશેષ કટોકટી ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ World Biofuel Day: ક્રૂડ ઓઇલ છોડો, ઓઇલનો પણ કિંગ છે આ બાયોફ્યુઅલ ?