ચીનમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં એક માહજોંગ પાર્લરના માલિકે અચાનક તબિયત બગડેલા એક વૃદ્ધ ગ્રાહકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બદલે તેને લાખો રૂપિયાનો દંડ ચૂકવવો પડ્યો.
ગ્રાહક સલૂનમાં થયા બેભાન
મળતી માહિતી પ્રમાણે હુનાન પ્રાંતમાં બનેલી આ ઘટનામાં ઝિયાઓ આહુઆ નામની મહિલાએ 60 વર્ષીય લુઓ નામના વૃદ્ધ ગ્રાહક અચાનક બેભાન થઈને પડી જતાં તાત્કાલિક મદદ કરી હતી. તેને ગરમી કે સનસ્ટ્રોકની શંકા ગઈ અને તાજી હવામાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગભરાટને કારણે તે તરત એમ્બ્યુલન્સ બોલાવી શકી નહીં, પરંતુ પાડોશીની મદદથી એમ્બ્યુલન્સ આવી હતી અને હોસ્પિટલ પહોંચતા રસ્તામાં વૃદ્ધનો શ્વાસ ચાલુ હતો, પરંતુ બાદમાં હોસ્પિટલમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું.
ભલાઇ કરવાના ચક્કરમાં ચૂકવવા પડ્યા 2.68 લાખ
વૃદ્ધના મૃત્યુ બાદ પરિવારે પાર્લરના માલિક પર બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. પરિવારે સીસીટીવી ફૂટેજના આધારે દાવો કર્યો કે માલિકની ભૂલથી જ મૃત્યુ થયું છે અને ધમકી આપી કે જો તેમને 100,000 યુઆન (1.4 મિલિયન રૂપિયાથી વધુ) નહીં મળે તો તેઓ મૃતદેહને પાર્લરની બહાર મૂકીને વિરોધ કરશે. આ માનસિક દબાણ અને ડરને કારણે ઝિયાઓ અને તેના પતિએ ગભરાઈને 19,000 યુઆન (2.68 લાખ રૂપિયાથી વધુ) વળતર પેટે ચૂકવી દીધા હતા. આ આઘાતના કારણે મહિલાની તબિયત પણ બગડવા લાગી હતી.
સોશિયલ મીડિયામાં યુઝર્સે ચિંતા વ્યક્ત કરી
આ અન્યાયની કહાની જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે ઇન્ટરનેટ પર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સોશિયલ મીડિયા પર યુઝર્સે ચિંતા વ્યક્ત કરી કે આવી ઘટનાઓથી લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવતા ડરશે. ભારે જાહેર દબાણને કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નવી તપાસ શરૂ કરી, જેમાં સ્પષ્ટ થયું કે વૃદ્ધનું મૃત્યુ સંપૂર્ણપણે કુદરતી હતું અને પાર્લરના માલિકનો તેમાં કોઈ વાંક નહોતો.
મહિલાને આખરે મળ્યો ન્યાય
ત્યારબાદ સત્તાવાળાઓએ ચીનના 'ગુડ સમરિટન' કાયદાનો ઉલ્લેખ કર્યો, જે સારા ઇરાદાથી કોઈની મદદ કરનારને કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે. પોલીસની મધ્યસ્થીથી મૃતકના પુત્રને પોતાની ભૂલ સમજાઈ અને આખરે પરિવારે મહિલાના લીધેલા તમામ નાણાં પરત કરવા પડ્યા, જેનાથી આ દયાળુ મહિલાને સાચો ન્યાય મળ્યો.
આ પણ વાંચોઃ IIT Research : નેપાળ જેવો વિનાશ ભારતમાં? પીગળતા હિમનદીઓથી બનેલા 9 તળાવો ખતરો