ચીને તાજેતરમાં સિચુઆન પ્રાંતમાં 'શુઆંગજિયાંગકોઉ હાઇડ્રોપાવર સ્ટેશન'ના પ્રથમ યુનિટને પાવર ગ્રીડ સાથે જોડીને વિશ્વના સૌથી ઊંચા ડેમ બાંધવાનો રેકોર્ડ સર્જ્યો છે. 315 મીટરની ઊંચાઈ ધરાવતો આ વિશાળ ડેમ માત્ર ઇજનેરી કળાનો ઉત્કૃષ્ટ નમૂનો નથી, પરંતુ તે ચીનની વધતી જતી આર્થિક અને લશ્કરી મહત્વાકાંક્ષાઓનું પ્રતીક પણ છે. આ પ્રોજેક્ટ વાર્ષિક અંદાજે 7.7 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે, જે કોલસા પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે. જોકે, તેની વિશાળતા અને ભૌગોલિક સ્થાનને કારણે ભારત અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
બ્રહ્મપુત્રા પર બાંધી દીધો મસમોટો ડેમ
ચિંતાનું મુખ્ય કારણ એ છે કે આ ડેમ યાર્લુંગ ત્સાંગપો નદી પર નિર્મિત છે, જેને ભારતમાં 'બ્રહ્મપુત્રા' અને બાંગ્લાદેશમાં 'જમુના' તરીકે ઓળખવામાં આવે છે. આ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી સમાન છે. નિષ્ણાતો તેને ચીન દ્વારા ઊભા કરાયેલા 'પાણીના બોમ્બ' તરીકે વર્ણવી રહ્યા છે. આ મેગા પ્રોજેક્ટ દ્વારા ચીનને બ્રહ્મપુત્રાના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની શક્તિ મળશે. ભવિષ્યમાં, જો ચીન ઈચ્છે તો તે ભારત તરફ આવતા પાણીના પ્રવાહને ઘટાડી શકે છે અથવા અચાનક છોડીને કૃત્રિમ પૂર જેવી સ્થિતિ પણ પેદા કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ
આ ડેમ યાર્લુંગ ત્સાંગપો ગ્રાન્ડ કેન્યોન પાસે સ્થિત છે, જે વિશ્વની સૌથી ઊંડી ખીણોમાંની એક છે. નદીનો આ વળાંક વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે. અગાઉ ચીને આ વિસ્તારમાં મેડોગ મેગા ડેમ બનાવવાની જાહેરાત કરી હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ જગાવ્યો હતો. 168 અબજ ડોલરના અંદાજિત ખર્ચ સાથે તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ ચીનની શક્તિનું પ્રદર્શન છે, પરંતુ તે પ્રાદેશિક સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ભારત માટે આ ડેમ વ્યૂહાત્મક ચેતવણી સમાન
ભારત માટે આ એક વ્યૂહાત્મક ચેતવણી સમાન છે. નદીના ઉપરવાસમાં ચીનનું સંપૂર્ણ નિયંત્રણ પડોશી દેશોની જળ સુરક્ષા અને કૃષિ ક્ષેત્રને સીધી અસર કરી શકે છે. ચીન ભલે આને વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણનો પ્રોજેક્ટ ગણાવતું હોય, પરંતુ ચીનના ઈતિહાસને જોતા પડોશી દેશોને આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે. આ પ્રકારના મેગા પ્રોજેક્ટ્સ માત્ર નદીના વહેણને જ નહીં, પરંતુ ભૌગોલિક-રાજકીય સમીકરણોને પણ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. હવે જોવાનું એ રહેશે કે ભારત આ વધતા જતા જળ સંકટ અને ચીની દબાણને પહોંચી વળવા શું રાજદ્વારી પગલાં લે છે.
આ પણ વાંચોઃ Ketan Agarwal murder case : કેતન હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, 10 કરોડની નોટિસ ફટકારાઇ