ઉત્તર અટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના બેલ્જિયમ સ્થિત લશ્કરી મથકમાં જાસૂસીની એક ગંભીર ઘટના સામે આવી છે. બેલ્જિયમની સુરક્ષા એજન્સીઓએ નાટોના ઓપરેશનલ મિલિટ્રી હેડક્વાર્ટર (SHAPE) માં ઇન્ટર્ન તરીકે કામ કરતી ચાઇનીઝ મૂળની કેનેડિયન મહિલાની જાસૂસીની શંકાના આધારે ધરપકડ કરી છે.
મિલિટ્રી ઇન્ટેલિજન્સની કાર્યવાહી
બેલ્જિયમના ફેડરલ પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા અનુસાર, નાટોની સિક્યુરિટી સર્વિસ તરફથી મળેલી ગુપ્ત માહિતીના આધારે બેલ્જિયમ મિલિટ્રી ઇન્ટેલિજન્સે આ તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ મહિલાના નિવાસસ્થાન અને નાટોના કમાન્ડ સેન્ટરમાં સ્થિત તેના કાર્યસ્થળ પર દરોડા પાડ્યા બાદ શુક્રવારે તેની અટકાયત કરવામાં આવી હતી. પ્રોસિક્યુટરના નિવેદન મુજબ, મહિલા પર કોઈ ત્રીજા દેશ માટે જાસૂસી કરવાનો અને ગુનાહિત સંગઠનની સભ્ય હોવાનો આરોપ છે.
ક્યાં થઈ આ ઘટના?
આ ઘટના બેલ્જિયમના દક્ષિણ શહેર મોન્સ નજીક આવેલા 'સુપ્રિમ હેડક્વાર્ટર એલાઇડ પાવર્સ યુરોપ' (SHAPE) માં બની છે. SHAPE એ નાટોનું એવું મિલિટ્રી હેડક્વાર્ટર છે જ્યાં તમામ દેશોના લશ્કરી અધિકારીઓ સંયુક્ત વ્યૂહરચના અને લશ્કરી કામગીરીનું આયોજન કરે છે. આ ઉપરાંત નાટોનું સાયબર સિક્યુરિટી સેન્ટર પણ અહીં જ આવેલું છે.
નાટોની કામગીરી પર કોઈ અસર નહીં
SHAPE ના પ્રવક્તા કર્નલ માર્ટિન એલ. ઓ'ડોનેલે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાથી નાટોની ઓપરેશનલ તૈયારીઓ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ કે હાલની કોઈ કામગીરી પર નકારાત્મક અસર પડી નથી. લશ્કરી મથક પોતાની તમામ જવાબદારીઓ સામાન્ય રીતે નિભાવી રહ્યું છે.આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે 2021થી નાટોએ ચીનને પોતાના સુરક્ષા સંગઠન માટે એક પડકાર તરીકે ચિહ્નિત કર્યું છે. કેનેડા અને બેલ્જિયમ બંને 32 દેશના આ લશ્કરી ગઠબંધનના સક્રિય સભ્યો છે, તેથી આ કેસની આગળની તપાસ પર સમગ્ર યુરોપ અને વૈશ્વિક એજન્સીઓની નજર છે.
આ પણ વાંચો: North Korea: કિમ પરિવારના શાસન પહેલાં કેવું હતું ઉત્તર કોરિયા?