કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે, જ્યાં સેનાનું C-130 હર્ક્યુલિસ વિમાન ટેકઓફ બાદ થોડા જ સમયમાં ક્રેશ થઈ ગયું. આ ભયાનક અકસ્માત પુતુમાયો વિસ્તારમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, વિમાનમાં સવાર લગભગ 110 સૈનિકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, વિમાન ટેકઓફ થયા બાદ ટેક્નિકલ ખામી અથવા અન્ય કારણસર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને જમીન પર પડતાં જ તેમાં આગ લાગી ગઈ.


બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

આગ એટલી ભયાનક હતી કે રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પરંતુ આગ અને ધુમાડાના કારણે કામ ધીમું પડી રહ્યું છે. આ વિમાનમાં મોટી સંખ્યામાં સૈનિકો સવાર હતા, જે કોઈ ખાસ મિશન માટે જઈ રહ્યા હતા તેવી માહિતી મળી રહી છે. ઘટના પછી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સરકાર દ્વારા દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બ્લેક બોક્સ અને અન્ય ટેક્નિકલ માહિતી એકત્રિત કરવામાં આવી

સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે બ્લેક બોક્સ અને અન્ય ટેક્નિકલ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે ટેક્નિકલ ખામી અથવા માનવીય ભૂલને કારણે અકસ્માત થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને કારણે દેશના રક્ષણ તંત્ર માટે પણ મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : 2 LPG કેરિયર જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ કર્યું પાર, 26થી 28 માર્ચની વચ્ચે પહોંચશે ભારત




  • Follow us on: