દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ કોલંબિયામાં શનિવારે એક મુસાફર બસને નિશાન બનાવીને ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 13 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 38થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકો અને ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘાયલોમાં પાંચ બાળકોનો સમાવેશ
કાઉકા ક્ષેત્રના ગવર્નર ઓક્ટાવિયો ગુઝમાનના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ કાજીબિયો નગરપાલિકામાં પેન અમેરિકન હાઈવે પર થયો હતો. જ્યારે બસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ વિસ્ફોટ થયો હતો. સ્વાસ્થ્ય સચિવ કેરોલિના કામાર્ગોએ પુષ્ટિ કરી છે કે ઘાયલોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
કોણે કર્યો હુમલો?
કોલંબિયાના સેના પ્રમુખ જનરલ હ્યુગો લોપેઝે આ ઘટનાને સ્પષ્ટપણે 'આતંકી હુમલો' ગણાવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હુમલા માટે કુખ્યાત અપરાધી 'ઇવાન મોર્ડિસ્કો' ના ગેંગ અને 'જેમી માર્ટિનેઝ' જૂથને જવાબદાર માનવામાં આવે છે. આ જૂથો રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ (FARC) ના અલગ થયેલું જૂથ છે, જેમણે 2016 ના શાંતિ કરારનું ઉલ્લંઘન કર્યું હતું
રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે હુમલાખોરોને આતંકવાદી અને ડ્રગ તસ્કર ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં માદક પદાર્થોની તસ્કરી અને જૂથ અથડામણોને કારણે હિંસા સતત વધી રહી છે. છેલ્લા બે દિવસમાં જ આ વિસ્તારમાં અંદાજે 26 જેટલી હિંસક ઘટનાઓ નોંધાઈ છે.
આ પણ વાંચો: Oil Crisis:દુનિયામાં પેટ્રોલનું ભયંકર સંકટ પણ ભારત ટેન્શન ફ્રી! જાણો મોદી સરકારનું પ્લાનિંગ