નેપાળના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા સુનસારી જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બે અલગ-અલગ ધાર્મિક સમુદાયો વચ્ચે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક અથડામણ અને ત્યારબાદની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ દરમિયાનગીરી કરવી પડી હતી, જેમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે સુરક્ષાકર્મીઓ સહિત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હિંસા પાછળનું કારણ

અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, રવિવારે રાત્રે દેવગંજ ગ્રામીણ મ્યુનિસિપાલિટીના કપ્તાનગંજ વિસ્તારમાં બે અલગ-અલગ ધાર્મિક સમુદાયોના લોકો પોતાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા હતા. આ દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ કરવા બાબતે અને ધાર્મિક ધ્વજ ફરકાવવા જેવી નજીવી બાબતોને લઈને બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો એટલો વધ્યો કે તેણે હિંસાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બે જૂથો સામસામે આવી ગયા.

સુરક્ષા દળોની કાર્યવાહી અને જાનહાનિ

પરિસ્થિતિ બેકાબૂ બનતા મામલો થાળે પાડવા માટે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. હિંસક ભીડને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના પ્રયાસ દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો. આ ગોળીબારની ઘટનામાં 24 વર્ષીય ઓમ પ્રકાશ મહેતા નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, બંને પક્ષો વચ્ચેની આડપર અને પથ્થરમાબાજીમાં સુરક્ષા કર્મચારીઓ સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેને લઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધો અને કડક કાર્યવાહી

આ હિંસા બાદ સુનસારી જિલ્લા વહીવટી કાર્યાલય દ્વારા તાત્કાલિક ધોરણે આગામી સૂચના સુધી વિસ્તારમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સોમવાર સવારે 7 વાગ્યાથી કોશી પ્રાંતમાં આવેલા જિલ્લાના પાંચ મુખ્ય બજાર વિસ્તારોમાં આ પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર, કોઈપણ પ્રકારના દેખાવો, જાહેર સભાઓ અને ધરણા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 500 નેપાળી રૂપિયાનો દંડ, એક મહિના સુધીની જેલની સજા અથવા બંને સજા એકસાથે ભોગવવી પડી શકે છે.

આ પણ વાંચોઃ Europe માં દાવાનળનો કહેર, ફ્રાન્સ અને સ્પેનમાં લાગેલી ભીષણ આગને કારણે 3 લાખથી વધુ લોકો બેઘર