યુરોપના બે પ્રમુખ દેશો ફ્રાન્સ અને સ્પેન હાલમાં અત્યંત વિનાશક જંગલની આગ સામે સંઘર્ષ કરી રહ્યા છે. આ ભીષણ આગને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિના લીધે અત્યાર સુધીમાં 3,00,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે અંદાજે 250,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. રેકોર્ડબ્રેક ગરમી અને તેજ પવનોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે અગ્નિશામક દળોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
ફ્રાન્સમાં ઇતિહાસની સૌથી ખરાબ કટોકટી
દક્ષિણપશ્ચિમ ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલોમાં લાગેલી આગ બેકાબૂ બનીને સતત ફેલાઈ રહી છે. ફ્રેન્ચ અગ્નિશામક ટીમો બોર્ડેક્સ શહેરની આસપાસના વિસ્તારોમાં આગ પર કાબુ મેળવવા માટે રાત-દિવસ એક કરી રહી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ફ્રાન્સમાં આ ભયાનક આગના કારણે અત્યાર સુધીમાં 98,000 હેક્ટર જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ચૂકી છે. દેશના ઇતિહાસમાં જંગલમાં આગ લાગવાની આ સૌથી મોટી અને ખરાબ કટોકટી માનવામાં આવી રહી છે, જેને પગલે ફ્રાન્સમાં ગરમી અને આગની વિશેષ ચેતવણીઓ પણ જાહેર કરવામાં આવી છે.
સ્પેનમાં પહેલીવાર રાષ્ટ્રીય જંગલ આગ કટોકટી જાહેર
બીજી તરફ, સ્પેનની સ્થિતિ પણ ખૂબ જ ચિંતાજનક છે. મેડ્રિડ, અવિલા અને વેલેન્સિયા નજીક લાગેલી આગે હજારો હેક્ટર જમીનને પોતાની ચપેટમાં લઈ લીધી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેને તેના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય જંગલી આગની કટોકટી જાહેર કરી છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ચેતવણી આપી છે કે દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સ્પેનમાં આશરે 130,000 હેક્ટર જમીન બળી ગઈ છે. પૂર્વીય દરિયાકાંઠાના શહેર વેલેન્સિયા નજીક નવી આગ ફાટી નીકળતા તાત્કાલિક ધોરણે 15,000 લોકોને અન્યત્ર ખસેડવા પડ્યા હતા.
તંત્રની જહેમત અને આગામી પડકારો
તેજ પવનો અને અસહ્ય ગરમીના કારણે આગ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ રહી છે, છતાં સ્પેનિશ અને ફ્રેન્ચ અધિકારીઓ કેટલાક ક્ષેત્રોમાં આગને કાબુમાં લેવામાં સફળતા મળી રહી હોવાનો દાવો કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ અને રાહત ટીમો પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને રેસ્ક્યુ કરવામાં અને આગને વધુ આગળ વધતી અટકાવવામાં જોતરાયેલી છે. આ કુદરતી આપત્તિના કારણે બંને દેશોના આર્થિક અને પર્યાવરણીય માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચોઃ
US: સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં ફાયરિંગની ઘટના, બે લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત