અમેરિકાના સિએટલ શહેરમાંથી વધુ એક હચમચાવનારી ઘટના સામે આવી છે. સિએટલ સેન્ટર ખાતે આયોજિત પ્રખ્યાત "બાઇટ ઓફ સિએટલ" (Bite of Seattle) ફૂડ ફેસ્ટિવલ દરમિયાન અચાનક અંધાધૂંધી ગોળીબાર થયો હતો. આ સામૂહિક ગોળીબારની કરુણ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક નાનો બાળક અને મહિલાઓ સહિત પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ બની ઘટના

મીડિયાના અહેવાલ મુજબ, રવિવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ સિએટલના પ્રખ્યાત સ્પેસ નીડલ નજીક આવેલા ઇવેન્ટ કોમ્પ્લેક્સમાં આ હુમલો થયો હતો. સપ્તાહના અંતે યોજાયેલા આ ફૂડ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આનંદ માણવા આવ્યા હતા. તે સમયે અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભીડભાડવાળી જગ્યાએ ગોળીબારનો ભયાનક અવાજ સાંભળીને લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડી રહ્યા છે.

ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા

ઘટનાની જાણ થતા જ પોલીસ અને કટોકટીની ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવ્યો હતો. હાર્બરવ્યુ મેડિકલ સેન્ટરના પ્રવક્તા સુસાન ગ્રેગે જણાવ્યું કે, આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ચાર પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક નાનો બાળક, 23 વર્ષીય એક યુવાન અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોમાંથી એક દર્દીની હાલત અત્યંત નાજુક અને ગંભીર બની રહી છે, જેના કારણે ડોક્ટરોની ટીમ સતત તેમની સારવારમાં વ્યસ્ત છે.

અમેરિકામાં વધતી હિંસાનો સિલસિલો યથાવત

અમેરિકામાં ગન વાયલન્સ (બંદૂકની હિંસા) અને સામૂહિક ગોળીબારની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ખુલ્લા પબ્લિક સ્થળો અને તહેવારો કે ઉત્સવો દરમિયાન બનતી આવી હિંસક ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. તંત્ર દ્વારા હાલ આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોર કે હુમલાખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર સિએટલ શહેરમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Iran Ukraine Conflict: કેસ્પિયન સમુદ્રમાં ડ્રોન હુમલા બાદ ઈરાન ગુસ્સે, યુક્રેન સામે વળતા પ્રહારની આપી ધમકી