કેસ્પિયન સમુદ્રમાં ઈરાનના એક વાણિજ્યિક (કાર્ગો) જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ ઈરાન અને યુક્રેન વચ્ચે રાજદ્વારી તણાવ ભારે વધી ગયો છે. આ હુમલામાં જહાજમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં એક નાવિકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈરાને આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટરનું સીધું ઉલ્લંઘન ગણાવી યુક્રેનને ગંભીર પરિણામો ભોગવવાની કડક ચેતવણી આપી છે.

યુક્રેન પર ઈઝરાયલના ઈશારે કામ કરવાનો આરોપ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના આદેશથી જ વ્યાપારી જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, યુરોપને યુદ્ધમાં વધુ ઊંડે સુધી ધકેલવા માટે યુક્રેન ઈઝરાયલના ઈશારે આ પ્રકારના પગલાં ભરી રહ્યું છે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાનો ઈરાન યોગ્ય સમયે આકરો જવાબ આપશે અને દોષિતોને સજા કર્યા વિના છોડવામાં આવશે નહીં.

EU અને રશિયા સમક્ષ મુદ્દો ઉઠાવાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈરાની વિદેશ મંત્રીએ યુરોપિયન યુનિયન (EU)ના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસ અને રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે ટેલિફોનિક વાતચીત કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, તેહરાનમાં સ્થિત યુક્રેનના કાર્યકારી રાજદ્વારી (ચાર્જ ડી'અફેર્સ)ને સમન્સ પાઠવીને આ ગુનાહિત અને શત્રુતાપૂર્ણ કૃત્ય સામે ઈરાને પોતાનો સત્તાવાર વિરોધ વ્યક્ત કર્યો હતો.

યુક્રેને કરી લશ્કરી કાર્યવાહીની પુષ્ટિ

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કેસ્પિયન સમુદ્રમાં લાંબા અંતરની લશ્કરી કાર્યવાહી કરી હોવાની પુષ્ટિ કરી છે. યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ડ્રોન દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ આવતા એવા કાર્ગો જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ ઈરાન અને રશિયા વચ્ચે લશ્કરી સરંજામના પરિવહન માટે થતો હતો.

ઈરાનની સ્પષ્ટતા: અમે યુદ્ધમાં તટસ્થ છીએ

દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે ઈરાન રશિયા-યુક્રેન યુદ્ધમાં સક્રિય રીતે ભાગીદાર નથી અને તે કોઈ પણ પક્ષનો સાથી નથી. આ સંઘર્ષમાં પોતાને તટસ્થ ગણાવવા છતાં ઈરાને પોતાના જહાજ પર થયેલા આ હુમલાને આક્રમણ ગણાવીને કડક વળતા પ્રહારનો સંકેત આપ્યો છે.


આ પણ વાંચો : South China Sea Patrolling: સમુદ્ર અને આકાશમાંથી પેટ્રોલિંગ વધાર્યું, ફિલિપાઇન્સમાં ફફડાટ