પૂર્વીય કોંગોમાં ફરી એકવાર ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા બળવાખોરોએ લોહિયાળ આતંક મચાવ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન બળવાખોર જૂથ એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) એ યુગાન્ડાની સરહદ નજીક આવેલા અંતરિયાળ ગામોને નિશાન બનાવ્યા હતા. નાગરિક સમાજ સંગઠનો અને માનવાધિકાર જૂથોના અહેવાલ મુજબ, પૂર્વીય ઇટુરી પ્રાંતના મામ્બાસા ક્ષેત્રમાં આઠ અલગ-અલગ સ્થળોએ થયેલા આ હુમલાઓમાં ઓછામાં ઓછા 22 નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને 10 થી વધુ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં જ નાઇજીરીયામાં થયેલા હત્યાકાંડ બાદ આફ્રિકામાં હિંસાની આ વધુ એક ભયાનક ઘટના સામે આવી છે.
નાગરિકોની નિર્દયતાપૂર્વક કરી હત્યા
હુમલાખોરોએ નિર્દયતાપૂર્વક નાગરિકોની હત્યા કરવા ઉપરાંત અનેક ઘરો અને મોટરસાયકલોને આગ ચાંપી દીધી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે. આ હુમલા એવા દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં થયા છે જ્યાં પહોંચવું સુરક્ષા દળો માટે પણ અત્યંત કઠિન છે. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો છે કે જ્યારે બળવાખોરો હુમલો કરે છે ત્યારે સેના વિસ્તારમાં હાજર હોતી નથી. જોકે, મામ્બાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર કર્નલ મેક્સિમ ત્શિશિમ્બીએ દાવો કર્યો છે કે ભૌગોલિક પડકારો છતાં સેના બળવાખોરોને નાથવા સતત કાર્યવાહી કરી રહી છે.
