પાકિસ્તાને પોતાના સંરક્ષણ માળખામાં એક મોટો અને સનસનાટીભર્યો ફેરફાર કર્યો છે. દેશમાં 'નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ' (NSC)ની રચના કરવામાં આવી છે. આ નવા માળખા હેઠળ પરમાણુ હથિયારો અને વ્યૂહાત્મક સૈન્ય સંસાધનોનું સંચાલન હવે સંપૂર્ણપણે એક સેન્ટ્રલ મિલિટરી કમાન્ડ હેઠળ રહેશે. અહેવાલો મુજબ, આ ફેરફારથી પાકિસ્તાની આર્મી ચીફ અને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો પ્રભાવ અતિશય વધી ગયો છે.

પાકિસ્તાનની સત્તા રચનામાં થયેલા આ ફેરફારે માત્ર ત્યાંના રાજકારણમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો ખતરો ઉભો કર્યો છે. નવા કાનૂની સુધારા બાદ હવે પરમાણુ હથિયારો, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સૈન્ય સંસાધનોનું સંચાલન આર્મી, નેવી, એરફોર્સ, રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજિક કમાન્ડને જોડીને એક સંયુક્ત કમાન્ડ દ્વારા થશે.

વડાપ્રધાનની ભૂમિકા કેમ ચર્ચામાં?

અગાઉ પાકિસ્તાનની 'નેશનલ કમાન્ડ ઓથોરિટી' (NCA) મારફતે નાગરિક સરકાર એટલે કે વડાપ્રધાનની ભૂમિકા પણ મહત્વની રહેતી હતી. પરંતુ નવી સિસ્ટમમાં ઓપરેશનલ કમાન્ડ સીધી મિલિટરીના કંટ્રોલમાં આવી ગઈ છે. જેથી હવે વડાપ્રધાનની ભૂમિકા માત્ર માહિતી મેળવવા પૂરતી સીમિત રહી જશે, જ્યારે તમામ નિર્ણયો સૈન્ય કમાન્ડ જ લેશે.

પાકિસ્તાને અપનાવ્યું ચીનનું મોડેલ

આ ફેરફારનું સૌથી મહત્વનું પાસું એ છે કે NSCનું માળખું ચીનની 'PLA રોકેટ ફોર્સ'ના મોડેલથી પ્રેરિત છે. પરમાણુ હથિયારોનો ભંડાર, મિસાઈલ સિસ્ટમ અને તેના વિકાસને એક જ કમાન્ડ હેઠળ લાવવામાં આવ્યા છે, જેને પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતા લશ્કરી સહયોગનો સંકેત માનવામાં આવે છે. આ નવા માળખા હેઠળ લેફ્ટનન્ટ જનરલ સૈયદ આમિર રઝાને ચાર-સ્ટાર જનરલ બનાવીને નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના પ્રથમ કમાન્ડર નિયુક્ત કરાયા છે.

આ પણ વાંચો: Russian દરિયાઈ વિસ્તારમાં ભારતીયનું મોત, MEAએ વ્યક્ત કરી ચિંતા