બ્લેક સી (કાળા સમુદ્ર)માં એક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલામાં ભારતીય નાવિકનું મોત થતાં ભારત સરકારે આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વાણિજ્યિક જહાજો અને નિર્દોષ નાવિકોને નિશાન બનાવવાની ઘટના કોઈપણ કાળે ચલાવી લેવાય નહીં. વિદેશ મંત્રાલયે (MEA) આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા દરિયાઈ પરિવહન અને વૈશ્વિક વેપારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.

આ ઘટના 18 જુલાઈ 2026ના રોજ બની હતી, જ્યારે 'MV OMORFI' નામનું કોમર્શિયલ જહાજ બ્લેક સીમાંથી પસાર થઈ રહ્યું હતું અને તે રશિયાના દરિયાઈ વિસ્તારમાં હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જહાજ પર કુલ 10 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 3 ભારતીય નાગરિકો પણ સામેલ હતા. હુમલા દરમિયાન એક ભારતીય નાવિકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે બાકીના બે ભારતીય સભ્યો સુરક્ષિત છે.

ભારત સરકારની આકરી પ્રતિક્રિયા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિવેદન આપતાં જણાવ્યું કે, "ભારત કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવાની અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકતા હુમલાઓની સ્પષ્ટ નિંદા કરે છે. દરિયાઈ સફર અને આંતરરાષ્ટ્રીય વેપારની સ્વતંત્રતા પર વધતું જોખમ એ અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે." ભારતે તમામ પક્ષોને દરિયાઈ પરિવહનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને મૃતકના પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.

અગાઉ પણ 4 ભારતીયોના થયા હતા મોત

MV OMORFI પર થયેલો આ હુમલો 'MV Golden Leo' નામના જહાજ પર થયેલા હુમલાના થોડા દિવસો બાદ જ થયો છે. 19 જુલાઈએ યુક્રેનના ઓડેસા બંદર પરથી નીકળેલા મર્ચેન્ટ જહાજ પર થયેલા હુમલામાં 4 ભારતીયોના મોત થયા હતા અને 1 ભારતીય ગંભીર રીતે ઘવાયેલો હતો. બ્લેક સી વિસ્તારમાં વારંવાર થતા આ હુમલાઓથી ભારતીય નાવિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આ પણ વાંચો: Pakistan Terror Attack:પાકિસ્તાનમાં આતંકીઓએ પોતાને બોમ્બથી ઉડાવ્યા,12 સૈનિકો સહિત 15ના મોત