ગ્લોબલ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દર વર્ષે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ (CPI) જાહેર કરે છે. આ ઇન્ડેક્સ 0 થી 100 સુધીના સ્કોર પર આધારિત હોય છે, જેમાં 0 નો અર્થ ખૂબ જ ભ્રષ્ટ અને 100 નો અર્થ લગભગ ભ્રષ્ટાચાર મુક્ત દેશ. 2025ના અહેવાલ મુજબ, ભારતનો સ્કોર 39 રહ્યો છે અને ભારત હવે વૈશ્વિક ક્રમે 91મા સ્થાને છે. ગયા વર્ષે ભારત 92મા ક્રમે હતું, એટલે કે સ્થાનમાં નાનો પરંતુ સકારાત્મક સુધારો જોવા મળે છે.
ભારતની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી
છેલ્લા ત્રણ વર્ષ પર નજર કરીએ તો ભારતની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. 2023માં ભારત 93મા ક્રમે હતું, 2024માં 91મા અને હવે 2025માં પણ 91મા સ્થાને છે. જો કે સ્કોર હજુ પણ ખતરનાક સ્તર પર ગણાય છે, કારણ કે 39નો સ્કોર એ દર્શાવે છે કે ભ્રષ્ટાચાર હજુ પણ ગંભીર સમસ્યા છે.
વિશ્વના અન્ય દેશોની સ્થિતિ
આ રિપોર્ટમાં કુલ 180 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ ડેનમાર્ક છે, જે સતત ટોપ પર રહે છે. બીજી તરફ, દક્ષિણ સુદાન અને સોમાલિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો તરીકે ઓળખાયા છે. યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે આ રિપોર્ટ ચિંતાજનક છે. ઘણા વિકસિત દેશોમાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો જોવા મળ્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોના સ્કોરમાં ઘટાડો થયો છે. યુરોપમાં ફક્ત જર્મની એવો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારમાં સુધારો નોંધાયો છે. બ્રિટન તો હવે ટોપના 20 દેશોની યાદીમાંથી પણ બહાર છે.
અમેરિકાનો ક્રમ 2024માં 28મો
અમેરિકા બાબતે પણ નિરાશાજનક ચિત્ર સામે આવ્યું છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વચનો છતાં, અમેરિકાનો ક્રમ 2024માં 28મો હતો, જે હવે ઘટીને 29મો થયો છે. ચીનની વાત કરીએ તો, ત્યાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ચીનનો સ્કોર 43 પર જ સ્થિર રહ્યો છે અને તે વૈશ્વિક ક્રમે 76મા સ્થાને છે.
સર્વે કયા આધાર પર થાય છે?
- કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ મુખ્યત્વે ચાર મુદ્દાઓ પર આધારિત છે
- રાજકીય દાન અને તેનો લોકશાહી સંસ્થાઓ પર પડતો અસર
- જાહેર સંસ્થાઓની સ્વતંત્રતા અને મજબૂતી
- સેવાઓ મેળવવા માટે લાંચ અથવા રોકડ ચુકવણી
- પત્રકારો અને મીડિયાને રાજ્ય દ્વારા લક્ષ્ય બનાવવાની ઘટનાઓ
રિપોર્ટ શું સંદેશ આપે છે?
ગ્લોબલ ટ્રાન્સપરન્સીનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે રાજકીય હરીફાઈ, આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના, યુદ્ધ, આબોહવા સંકટ અને સમાજમાં વધતું ધ્રુવીકરણ ભ્રષ્ટાચારને વધારતા પરિબળો છે. આ સ્થિતિમાં, વિશ્વને એવા નેતાઓ અને સંસ્થાઓની જરૂર છે જે ઈમાનદારીથી જાહેર હિતનું રક્ષણ કરી શકે.
ભારત માટે શું શીખ?
ભારત માટે આ રિપોર્ટ એક તરફ આશાનું સંકેત આપે છે, પરંતુ બીજી તરફ ચેતવણી પણ છે. નાનો સુધારો થયો છે, પરંતુ ભ્રષ્ટાચાર સામે લાંબી લડાઈ હજુ બાકી છે. પારદર્શિતા, મજબૂત સંસ્થાઓ અને જવાબદારી વિના સાચો ફેરફાર શક્ય નથી.
આ પણ વાંચો : Local For Vocal: ભારત મંડપમ્ માં યોજાવા જઈ રહ્યો છે સ્વદેશી શક્તિનો મહાકુંભ, વાંચો Latest Update