મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલો તણાવ હવે અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે. ઇરાને અમેરિકાના સૈન્ય મથકો ધરાવતા અથવા યુએસ સૈનિકોને આશરો આપનારા પડોશી દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. આ સાથે જ ઇરાને દાવો કર્યો છે કે તેણે કુવૈતમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો (યુએસ બેઝ) પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે.

ઇરાનના સૈન્ય કમાન્ડરો તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ દેશ પોતાની ધરતીનો ઉપયોગ ઇરાન વિરુદ્ધ અમેરિકી કે ઇઝરાયેલી સૈન્ય ઓપરેશન માટે કરવા દેશે, તો તેને દુશ્મન માનવામાં આવશે અને તેના પર સીધો જવાબી હુમલો કરવામાં આવશે. ઇરાનની આ ધમકી બાદ ખાડી દેશો (Gulf Countries) માં ભારે ફફડાટ ફેલાયો છે.

કુવૈત બેઝ પર હુમલાથી સનસનાટી

અહેવાલો અનુસાર, ઇરાન સમર્થિત જૂથો અથવા ઇરાન દ્વારા સીધા જ કુવૈત સ્થિત યુએસ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દાવા સામે આવ્યા છે. આ હુમલા બાદ કુવૈત અને આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે, અમેરિકી સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) તરફથી આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ ખાડી દેશોની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે.

અમેરિકાના સૈન્ય મથકો ધરાવતા દેશો નિશાના પર

ઇરાને તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "અમે તમામ પડોશી દેશોને પહેલા જ ચેતવણી આપી દીધી હતી કે તેઓ અમેરિકાના સામ્રાજ્યવાદી સૈન્યને આપણી પવિત્ર ધરતીનો ઉપયોગ કરવા ન દે. કુવૈતમાં થયેલા હુમલા એ માત્ર એક શરૂઆત છે. જો કતાર, બહેરીન અથવા યુએઈ (UAE) જેવા દેશોમાંથી ઇરાન સરહદ તરફ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાશે, તો તેનું પરિણામ પણ ભયાનક આવશે."

મિડલ ઇસ્ટમાં શા માટે વધી રહ્યો છે તણાવ?

આ નવો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત રીતે ઇરાનના પરમાણુ મથકો અને તેની સૈન્ય શક્તિને નબળી પાડવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવી રહ્યા છે. અમેરિકાએ તાજેતરમાં જ ખાડી દેશોમાં પોતાની લડાયક ક્ષમતા વધારવા માટે વધારાના ફાઇટર જેટ્સ અને એન્ટી-મિસાઇલ સિસ્ટમ્સ તૈનાત કરી છે, જેના જવાબમાં ઇરાને પણ પોતાની મિસાઇલ સિસ્ટમને હાઇ એલર્ટ પર મૂકી દીધી છે.

આ પણ વાંચો: US vs Iran: ઈઝરાયેલમાં ડઝનબંધ સૈન્ય વિમાનો તૈનાત, ઈરાન પર મેગા સ્ટ્રાઈકની તૈયારીમાં અમેરિકા