પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રવિવારે અજાણ્યા હુમલાખોરો અને ચરમપંથીઓ દ્વારા કોલસાની ખાણમાં કામ કરતા 11 મજૂરોનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હોવાની ભયાનક ઘટના સામે આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ અધિક્ષક તૈયબ ઈકબાલના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ કોહલુ જિલ્લાના ચામલાંગ વિસ્તારમાં કોલસાની ખાણના મજૂરોને લઈ જઈ રહેલા બે વાહનો પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરો મજૂરોને પકડીને નજીકના હૌસરી પહાડો તરફ લઈ ગયા હતા.
હૌસરી પહાડોમાંથી મૃતદેહ મળ્યા, પોલીસની ઘેરાબંધી અને શોધખોળ શરૂ
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, અપહરણ કરાયેલા મજૂરોના મૃતદેહ પાછળથી એ જ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈ ચરમપંથી સંગઠન કે વ્યક્તિ દ્વારા લેવામાં આવી નથી. ઘટનાની જાણ થતા જ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા મજૂરો પૈકી ચાર મજૂરોની જિયારત જિલ્લાના ડુકી વિસ્તારના સ્થાનિક રહેવાસી તરીકે ઓળખ થઈ છે.
