બ્રિટનમાં ગ્રેટર માન્ચેસ્ટરના સ્ટોકપોર્ટ વિસ્તારમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 60 વર્ષીય વ્યક્તિને પોતાની જ પત્ની સાથે લાંબા સમય સુધી દુષ્કર્મ કરવા અને તેની મંજૂરી વિના અંતરંગ તસવીરો પાડીને અન્ય લોકો સાથે શેર કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. પીડિતાની ઓળખ જાહેર ન થાય તે માટે આરોપી પતિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

નશાની ગોળીઓ આપી યૌન શોષણનો આક્ષેપ

કોર્ટમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી પોતાની પત્નીને નશાની ગોળીઓ આપતો અને ત્યારબાદ તેની સાથે યૌન શોષણ કરતો હતો. આ પ્રવૃત્તિ આશરે 20 વર્ષ સુધી ચાલતી હોવાનો આરોપ છે. આરોપીએ પોતે 60 વખત આવું કર્યું હોવાની કબૂલાત કરી છે.

મંજૂરી વિના તસવીરો પાડીને શેર કરી

આરોપી પર પત્નીની પરવાનગી વિના અંતરંગ તસવીરો પાડવાનો અને તેને અન્ય લોકો સાથે શેર કરવાનો પણ આરોપ છે. આ કેસમાં પતિ સહિત કુલ 14 લોકોને સહ-આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 12 લોકોએ આરોપો નકારી કાઢ્યા છે, જ્યારે એક સહ-આરોપીએ પોતાના પરના આરોપો સ્વીકાર્યા છે.

કોર્ટમાં આરોપી રડી પડ્યો

સુનાવણી દરમિયાન પીડિત મહિલા પરિવારજનો સાથે કોર્ટની પબ્લિક ગેલેરીમાં હાજર હતી. પોતાનો ગુનો સ્વીકારતી વખતે આરોપી રડી પડ્યો હતો અને અનેક વખત સુબકતો જોવા મળ્યો હતો. જૂનમાં તેની સામેના 15 આરોપો સાબિત થયા બાદ તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

પોલીસની અપીલ

ગ્રેટર માન્ચેસ્ટરના આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ રિક જેક્સને જણાવ્યું કે તપાસ અત્યંત જટિલ હતી અને પોલીસનું મુખ્ય ધ્યાન પીડિતાને શક્ય તેટલી મદદ પહોંચાડવા પર રહ્યું હતું. તેમણે લોકોને અપીલ કરી કે કોઈ વ્યક્તિને નશાની દવા આપીને યૌન શોષણ કરવામાં આવતું હોવાની શંકા હોય તો તેને ગંભીરતાથી લઈ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. કેસમાં બાકીના સહ-આરોપીઓ સામેની કાર્યવાહી આગામી અઠવાડિયાઓમાં ચાલુ રહેવાની છે.   


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત