ક્લેટ લાંબા સમયથી પોલીસથી બચી રહી હતી. 30 વર્ષ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આખરે પોલીસ ગિરફ્તમાં

જર્મનીની મોસ્ટ વોન્ટેડ મહિલા અને ડાબેરી જૂથ રેડ આર્મી જૂથની છેલ્લી ભાગેડુ સભ્ય ડેનિયેલા ક્લેટને જેલમાં મોકલવામાં આવી છે. કોર્ટે ક્લેટને 13 વર્ષની જેલની સજા ફટકારી છે. ક્લેટ 30 વર્ષથી વધુ સમયથી પોલીસથી બચી રહી હતી. તે 30 વર્ષથી ખોટા નામથી બર્લિનમાં રહેતી હતી. પોલીસે 2024માં ક્લેટની ધરપકડ કરી હતી અને 14 મહિના પોલીસ કસ્ટડીમાં રહ્યા પછી, તેને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

પોલીસ તપાસમાં શું મળ્યુ ?

ધરપકડ દરમિયાન, પોલીસે ક્લેટના ઘરેથી હથિયારો, સોનું, વિગ, નકલી બાઝુકા, બનાવટી દસ્તાવેજો અને લૂંટમાંથી મેળવેલી રોકડ રકમ જપ્ત કરી હતી. ક્લેટ 2025માં કોર્ટમાં હાજર થઈ હતી. ત્યારબાદ આ કેસ 14 મહિના સુધી ચાલ્યો હતો. ક્લેટ એકમાત્ર મહિલા છે જે યુરોપની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતી. ક્લેટે ભૂતપૂર્વ આરએએફ સભ્યો બર્કહાર્ડ ગાર્વેગ અને અર્ન્સ્ટ-વોલ્કર સ્ટૌબ સાથે મળીને લૂંટ ચલાવી હતી. જેઓ હજુ પણ ફરાર છે. એવો આરોપ છે કે આ ત્રણેયે શ્રેણીબદ્ધ લૂંટ દ્વારા આશરે 2.4 મિલિયન યુરોની ચોરી કરી હતી. જેનો ઉપયોગ 1998માં આરએએફના સત્તાવાર રીતે વિખેરી નાખ્યા પછી તેઓ પોતાને ટેકો આપવા માટે કરતા હતા.

સમર્થકોએ કર્યો વિરોધ

જ્યારે ટ્રાયલ શરૂ થઈ, ત્યારે ક્લેટે આ કેસને રાજકીય દબાણ તરીકે વખોડી કાઢ્યો અને મૂડીવાદ સામેની તેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. ક્લેટ પર 1999 થી 2016 દરમિયાન તેના સહયોગીઓ સાથે મળીને ભૂગર્ભમાં રહેતા જૂથના બાકીના ભાગેડુઓના અસ્તિત્વ માટે ભંડોળ એકત્ર કરવા માટે ઘણી મોટી લૂંટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે ક્લેટને 13 વર્ષની જેલની સજા ફટકારી ત્યારે તે શાંત દેખાયા. જોકે, કોર્ટમાં હાજર તેમના સમર્થકોએ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો અને તેમની મુક્તિની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતો.

આ પણ વાંચોઃ  અમેરિકામાં વધી હલચલ, યુદ્ધ શરૂ કરવા માસ્ટર પ્લાન કરાયો તૈયાર